
ગુજરાતમાં શેલ(બનાવટી) કંપનીના કેસમાં હવે EDએ એન્ટ્રી કરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ, સુરત અને કોડીનારનો સમાવેશ થાય છે.આ કેસમાં પત્રકાર મહેશ લાંગા સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ ઝંપલાવ્યું છે. ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી રેડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ રેડ કરી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે.
સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદના આધારે, અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ/એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, જેથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં છે.
આ પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવા બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને તથ્યો/દસ્તાવેજોની ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે. જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ પહેલા 7 ઓક્ટોબરે ડાયરેકટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જેના માટે તેમણે હજારો કરોડના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા.
રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત આ ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ(EOW) શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુના કૌભાંડની વિગતો સામે આવી હતી. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી સંભાવના છે.
ગુજરાતમાં બોગસ બિલિંગકૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર દેશભરમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં અગ્ર હરોળમાં રહે છે. તેવી જ રીતે કૌભાંડમાં પણ અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં હાલ જીએસટી બોગસ બિલિંગકૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર થઇ ગયો છે. જુદા જુદા કેસની તપાસ હાલ ચાલી રહી છે.
તપાસમાં સામે આવેલી બોગસ કંપની અને એના સંચાલકોની વિગતો
- ધ્રુવી એન્ટરપ્રાઇઝ
- અર્હમ સ્ટીલ પ્રોપરાઇટર નિમેશ મહેન્દ્ર વોરા અને હેતલબેન વોરા
- ઓમ કન્સ્ટ્રક્શન, પ્રોપરાઇટર રાજેન્દ્રસિંહ સરવૈયા, વનરાજ સિંહ સરવૈયા, બ્રિજરાજસિંહ સરવૈયા તથા ઋત્વિરાજસિંહ
- શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ ,̒પ્રોપરાઇટર કાળુભાઇ વાઘ તથા પ્રફુલભાઇ વજા. મનન વજા, જયેશ વાજા અને વિજય વાઘ
- રાજ ઇન્ફ્રા પ્રોપરાઇટર રત્નદીપસિંહ ડોડિયા. જયેશ કુમાર સુતરીયા, અરવિંદભાઇ સૂતરિયા
- હરેશ કન્સ્ટ્રક્શન કંપની, પ્રોપરાઇટર નિલેષ નસીત, જયોતિષભાઇ ગોંડલિયા, પ્રભાબેન ગોંડલિયા
- ડી.એ. એન્ટરપ્રાઇઝ, પ્રોપરાઇટર મનોજ રામભાઇ લાંગા, વિનુભાઇ નટુભાઇ પટેલ
- ઇથીરાજ કન્સ્ટ્રક્શન પ્રા.લિ. પ્રોપરાઇટર નિલેશ નશિત, જયોતિષ ગોંડલીયિ. પ્રબાબેન ગોંડલિયા
- બી.જે.ઓડેદરા પ્રોપરાઇટર ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઇ ઓડેદરા, અભાભાઇ ઓડેદરા
- આરએમ દાસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. પ્રોપરાઇટર નાથભાઇ મેરૂભાઇ દાસા, રણમલભાઇ મેરૂભાઇ દાસા
- આર્યન એસોસિયેટ્સ પ્રોપરાઇટર અજય ભગવાનભાઇ બારડ. વિજય કાળાભાઇ બારડ, રમેશ કાળાભાઇ બારડ
- પૃથ્વી બિલ્ડર્સ પ્રોપરાઇટર પરેશ પ્રદીપભાઇ દોઢિયા
- પરેશ પ્રદીપભાઇ દોઢિયાના પ્રોપરાઇટર તથા અન્ય