- કર્ણાટક હાઈકોર્ટે ૧૦ ફેબ્રુઆરીએ શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
નવીદિલ્હી, કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમાર સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં વચગાળાની તપાસ પર રોક લગાવવાના હાઈકોર્ટના નિર્ણયને ચાલુ રહેશે. ડીકે શિવકુમાર સામેના કેસ પર સ્ટે ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈક્ધાર કરી દીધો છે. સીબીઆઇ તપાસ પરનો સ્ટે હટાવવાની અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે મેરિટના આધારે સુનાવણી કર્યા બાદ આ મામલે નિર્ણય આપવો જોઈએ.
જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ કેસમાં હાઈકોર્ટના ૧૦ ફેબ્રુઆરીના આદેશ સામે સીબીઆઈની અપીલને ફગાવી દીધી હતી. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જણાવ્યું હતું કે સીબીઆઈની તરફેણમાં આદેશ હોવા છતાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તપાસ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
શિવકુમાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે સીબીઆઈએ હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે અપીલ દાખલ કરી છે, પરંતુ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા પસાર કરાયેલા પછીના વચગાળાના આદેશોને પડકારવાનો ઇન્કાર કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દખલ નહીં કરે અને સીબીઆઈને કેસના ઝડપી નિકાલ માટે હાઈકોર્ટને વિનંતી કરવાની મંજૂરી આપી.
કર્ણાટક હાઈકોર્ટે ૧૦ ફેબ્રુઆરીએ શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે એજન્સીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસ વર્ષ ૨૦૨૦ના છે. કોર્ટે સીબીઆઈ પાસેથી છેલ્લા બે વર્ષમાં તપાસની પ્રગતિની માહિતી પણ માંગી હતી. કોર્ટે એજન્સીને પૂછ્યું હતું કે તે અંતિમ રિપોર્ટ ક્યારે ફાઈલ કરશે. હાઈકોર્ટે સુનાવણીની આગામી તારીખ સુધી કાર્યવાહી પર રોક લગાવી હતી અને મામલાની સુનાવણી મુલતવી રાખી હતી.
આવકવેરા વિભાગે ૨૦૧૭માં શિવકુમારના ઘર પર દરોડા પાડ્યા હતા. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ તેની સામે તપાસ શરૂ કરી હતી. ઈડીની તપાસના આધારે સીબીઆઈએ કર્ણાટક સરકાર પાસે કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ શિવકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પરવાનગી માંગી હતી. આ મંજૂરી ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ મળી હતી અને ૩ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. શિવકુમારે એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારી છે.