દ્વારકાના પરિવારે આર્થિક રીતે પડી ભાગતા આપઘાતનું પગલું ભર્યુ, દ્વારકા હિબકે ચઢ્યું

દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક બુધવારે સાંજે આહીર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. મોડી રાત્રે હોસ્પિટલ ખાતેથી ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે બાદ આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને ઘટના સ્થળેથી પરિવારનાં મોબાઈલ, મોટરસાઇકલ અને સુસાઈડ નોટ મળી આવી છે. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. એ બાદ આજે આ તમામની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. એમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જામનગરમાં એક્સાથે ૪ અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો હતો. કઠણ કાળજાના માનવીને પણ રોવડાવી દે તેવાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી. પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર ૪૨), તેમનાં પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર ૪૨), તેમનો પુત્ર જિજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર ૨૦) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર ૧૮) તરીકે ઓળખાયાં છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -૧ વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જામનગરમાં રહેતા પરિવારના ચાર સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર હાલારને હચમચાવી નાખ્યું છે. બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ લેણું થઈ જતાં અને આ લેણાં સામે ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતાં અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટમાં જ આપઘાત પાછળનું સચોટ કારણ ધરબાયેલું છે, એવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

જોકે, સુસાઇડ નોટમાં કારણ અંગે કરાયેલ ઉલ્લેખ અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી. લાલપુર તાલુકાના મોડપર ગામના આહીર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુંવા વર્ષો પૂર્વે પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. જોકે, ધંધામાં છેલ્લાં વર્ષોમાં સતત ખોટ જતા તેઓ પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આથક સંકળામણમાં મુકાયા હતા એમ પ્રાથમિક વિગતો સામે આવી છે. સૂત્રોનું માનવામાં આવે તો પોતાની આથક સંક્રડામણ દૂર કરવા અશોકભાઈએ વ્યાજે રૂપિયા લઈ સેટલ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેમના પર દેણું સતત વધતું ગયું હતું.

આ જ કારણે અશોકભાઈ અને તેના પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી છે. ઘટનાસ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટની વિગતોમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે. આહીર પરિવારનો સાંસારિક માળો વિખેરાઈ ગયો છે. ચારેય સભ્યોના આપઘાતના પગલે આહીર સમાજ સહિત સમગ્ર હાલારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસને ઘટનાસ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાઇકલ અને સુસાઈડ નોટ મળી આવી છે. ભાણવડ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુસાઈડ નોટના આધારે તપાસ કર્યા બાદ જ મોટા ખુલાસા થશે અને સામૂહિક આપઘાતનું કારણ જાણી શકાશે. સામૂહિક આપઘાત કરનાર પરિવારના મોભી ઉદ્યોગનગરમાં બ્રાસપાટની ભઠ્ઠી સહિત બ્રાસનો ધંધો કરતા હોવાની માહિતી મળી રહી છે.