આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે અને તેઓ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુગળી બ્રાહ્મણ અગ્રણીઓના સંકલનથી બુધવાર તા. 21 ના રોજ સાંજે 7 વાગ્યે ગોમતી ઘાટ ખાતે મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના વિવિધ 16 સ્થળોએ દીપ પ્રાગટ્ય, ઈલેક્ટ્રીક રોશનીથી 5 લાખ દિવડાની રોશની કરવામાં આવશે. આ મહા આરતીમાં ગૂગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તેમજ કાર્યક્રમને લઈને નિયુક્ત અધિક કલેકટર એમ.કે. જોષી, પ્રાંત અધિકારી ભગોરા તેમજ ગુગળી બ્રાહ્મણના અગ્રણીઓના સંકલનથી આ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બુધવારે સાંજે યોજાનાર મહા આરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ તમામ નાગરિકોને જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. 25 ના રોજ દેશના વડાપ્રધાન દ્વારકા અને ઓખા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગે આવશે. પાકિસ્તાનના દરિયાઈ વિસ્તારથી તેમના જિલ્લાના કાર્યક્રમનું સ્થળ ખૂબ જ નજીક આવેલ હોવાથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઇ, વડાપ્રધાનની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા સંભાવના હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નો ફ્લાય ઝોનજાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ તમામ કાર્યક્રમો દરમિયાન પ્રવાસ રૂટ ઉપર તથા બેટ દ્વારકા હેલિપેડની ત્રીજ્યાથી પાંચ કિ.મી. વિસ્તાર, સિગ્નેચર બ્રિજ ઓખાના છેડાની ત્રિજ્યાથી પાંચ કિ.મી. વિસ્તાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા તથા તેની આસપાસ પાંચ કિ.મી.ના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ જેવા ઞઅટ તથા માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવા/કરવા ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ અને સુરક્ષાદળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું તા. 24 થી 24 ના કુલ 48 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.