દ્વારકામાં શિક્ષકે ૧૬ વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

દ્વારકા, અવારનવાર રેપના કેસ સામે આવતા હોય છે. પરંતુ આજે એવી ઘટના નોંધાઈ છે કે, જાણી રુવાડા બેઠા થઇ જશે. આ કેસમાં એક નરાધમ શિક્ષકે તમામ હદો વટાવી ૧૬ વર્ષની તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના એક શિક્ષક દ્વારા તેની પાસે અભ્યાસ કરતી ૧૬ વર્ષીય તરુણીને તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી, દુષ્કર્મ આચરવા બદલ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની આશરે ૧૬ વર્ષની સગીર પુત્રી કે જે થોડા સમય પૂર્વે કોરોના કાળ દરમિયાન મોબાઈલ ફોનમાં અભ્યાસ કરતી વખતે એક શિક્ષક એવા કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા જીગ્નેશ હમીર વેસરા સાથે સંપર્કમાં આવી હતી. સમય જતા જીગ્નેશે સગીરાને મોબાઈલ ફોનમાં મેસેજ કરી, વાતચીત કરી અને જો આ તરુણી વાતચીત નહીં કરે તો તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યા બાદ આરોપી શખ્સ દ્વારા નવી ફોટ તેમજ ભાણવડ ખાતે આ સગીરાને એક મકાનમાં બોલાવી અને તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય હતું.આટલું જ નહીં, જો આ બાબત તેણી કોઈને કહેશે તો તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી, જાતીય હુમલો કરવા સબબની ફરિયાદ સગીરાના માતાએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, અહીંના એ.એસ.પી. રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ દ્વારકા સર્કલના પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.