દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

દેવભૂમિ દ્વારકામાં સોડાએશના પ્લાન્ટના લીધે ખેડૂતની જમીનનો દાટ વળ્યો તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી. તેમા પણ ખેડૂતની જમીન પર થયેલા નુક્સાન બાદ તેની જમીન સુધારણાના કામમાં ભારે વિલંબ બદલ હાઈકોર્ટે રીતસર જીપીસીબીનો ઉધડો જ લઈ નાખ્યો હતો.

ચીફ જસ્ટિસની બેન્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા થતા વિલંબને અસહ્ય ગણાવીને જિલ્લા કલેક્ટરના અયક્ષ પદ હેઠળ એક સમિતિની રચનાનો આદેશ આપ્યો છે અને આ જમીન પર ખેતી કેટલી ઝડપથી શરૂ થઈ શકે અને તેની સુધારણા માટે કેવા પગલાં ભરવા તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત સમિતિએ પ્રદૂષણના કારણે જમીનને કેટલું નુક્સાન થયું છે અને ખેડૂતને કેટલું વળતર ચૂકવવું પડશે તેની સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું. ફક્ત આટલું જ નહીં, ખેડૂતને થયેલા નાણાંકીય નુક્સાન ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર ચૂકવવાનું રહેશે.

વળતરની સઘળી રકમ જે ઔદ્યોગિક એકમે જમીન પ્રદૂષિત કરી છે તેની પાસેથી અથવા તો ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પાસેથી વસૂલ કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. દ્વારકા નજીક કરૂંગા ગામના બાલુભા કેરે આરએસપીએલ કંપનીના બાજુમાં જ આવેલા સોડા એશના પ્લાન્ટ સામે ૨૦૧૮માં જીપીસીબીને વારંવાર ફરિયાદો કરેલી. બોર્ડ દ્વારા પ્રદૂષણ રોકવાના પગલાં ભરવામાં થયેલા વિલંબના કારણે કેરની જમીન પ્રદૂષિત થઈ જતાં હાઈકોર્ટે અગાઉ ખેડૂતને વીસ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.