દ્વારકા,ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાના બાંધકામની ગુણવત્તા અંગેની ફરિયાદના પગલે રાજ્યના શિક્ષણ મંત્રીએ ત્યાં પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ચાલુ બાંધકામ તોડીને નવેસરથી બનાવવાનો આદેશ આપ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે અંદાજે ૨.૫ કરોડના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ૨૭.૫૬ લાખના ખર્ચે બે રૂમ સહિતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા કામના અભાવની ફરિયાદ કરવા વ્યક્તિગત રીતે અહીં પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ૬ હજાર નવી શાળાઓના બાંધકામ ચાલે છે ત્યારે આવી નબળી મનોવૃત્તિથી નબળું કામ કરતા લોકોને બોધપાઠ શીખાડવો જોઈએ. જે જે જગ્યાએ રાજ્યમાં નબળું કામ થતું હશે ત્યાં તોડી પાડવામાં આવશેની મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. જિ.શિ. કચેરીના વિમલભાઈ કીરત સાતા દ્વારા શિક્ષણ મંત્રીનું સ્વાગત થયું હતું. નબળા બાંધકામ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીની છેવાડાના દ્વારકા જિ.માં રૂબરૂ મુલાકાતે ભારે ચર્ચા જગાવી છે.
રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તે બાબત પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકાત તેમજ તેમના દ્વારા કરવામાં આવેલા આકરા હુકમથી નબળું કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.