દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યુ બુલડોઝર, ચૂસ્ત પોલીસ સાથે અનેક દબાણો જમીનદોસ્ત કરાયા

દ્વારકા,

દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન જોરશોરથી થઈ રહ્યુ છે. હર્ષદ બંદર બાદ નાવદ્રા બંદર પર તંત્રનુ બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે.આપને જણાવી દઈએ કે, નાવદ્રા બંદર અને કારગીલ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી નખાયા છે.

નાવદ્રા બંદરેથી ૨૦૨૧ માં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતુ,જે બંગલામાંથી ડ્રગ્સ મળ્યુ છે તે અનવર પટેલના કરોડોના બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. દ્વારકા એસપી સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા. તો આ તરફ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે ગેરકાયદે માછીમારોની ઘૂસણખોરી સામે આવી છે. અંદાજે ૨૦૦ બોટ સાથે ૧ હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગેરકાયદે વસવાટ કરી ખોટી ધાક જમાવતા માછીમારો સામે સ્થાનિકોએ ખુબ જ વિરોધ કર્યો છે. તો બીજી તરફ આ ૨૦૦ જેટલી બોટ પૈકીના એક માછીમારે જણાવ્યું કે તેઓ હર્ષદથી આવ્યા છે.