દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાના કારણે ૮ ઈંચ વરસાદ: આખો જિલ્લો વેરવિખેર, ૧૫૦૦ વીજપોલ ધરાશાયી

  • દ્વારકામાં ભારે પવન સાથે ૮ ઈંચ વરસાદ ખાબક્તા સ્ટેશન રોડ પર પાણી ભરાયા.

દ્વારકા, બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. ગુજરાતના દરિયા કાંઠે બિપોરજોયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી બાજુ દ્વારકામાં અતિભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

વિગતવાર વાત કરીએ તો વાવાઝોડના કારણે સમગ્ર દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. સમગ્ર જિલ્લામાં ૧૫૦૦ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. ખાંભળિયાના કોલવા ભટ્ટ ગામમાં વીજપોલ ધરાશાયી થતાં ગામનો રસ્તો બ્લોક થઈ ગયો છે.

દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે. જિલ્લામાં ૧૫૦૦થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૨ પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને ૪૦૦ ટીસીને પણ નુક્સાન થયું છું. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુક્સાન થયું છે. જિલ્લામાં પીજીવીસીએલની ૧૧૭ ટીમ ખડેપગે છે.

દ્વારકા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં પતરા અને શેડ ઉડી ગયા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયામાં અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાજોડાથી વૃક્ષોને વ્યાપક નુક્સાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા, ટંકારીયા, નાગેશ્ર્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો પડ્યા છે. ટંકારિયામાં ૧૦૦ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે.

દ્વારકામાં ભારે પવન સાથે ૮ ઈંચ વરસાદ ખાબક્તા સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. દ્વારકામાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે પવન સાથે શહેરમાં વરસાદ ખાબક્તા દ્વારકાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાયા છે. ગણપતિ ચોકથી રબારી ગેટ સુધી વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત ભદ્રકાલી ચોકમાં આવેલ ભદ્રકાલી માતાજી મંદિર પાસે પાણી ભરાયા છે.

દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં એનડીઆરએફએ રેસ્ક્યૂ હાથ ધર્યું છે. રૂપેણ બંદર વિસ્તારમાં સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરાયું છે. ૭૦ જેટલા લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યૂ હાથ ધર્યું છે. દ્વારકાના ઓખા બંદરે ૧૦ નંબરનું સિગ્નલ હટાવીને ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું કચ્છથી પસાર થતાં સિગ્નલ બદલાવાયું છે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઓખા બંદરે જીએમબી દ્વારા ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.