- દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબક્તા બધુ જળબંબાકાર થઈ ગયું
દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ખંભાળિયા પંથકમાં આભફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ છે. તો પોરબંદરથી રાવલ જતો સ્ટેટ હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરાયો છે. રાવલની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી જતાં હાલાકી સર્જાઈ છે.
દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૫ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ભાણવડ અને બરડા પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. બરડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘુમલી ગામમાં પાણીનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. સ્કાયમેટની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો કચ્છ,દ્વારકા,રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પૂર્વ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે.
દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબક્તા બધુ જળબંબાકાર થઈ ગયું છે. દ્વારકામાં ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે તમામ નદીનાળાઓ બે કાંઠે થઈ રહ્યા છે. ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ છે. જિલ્લાની બધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત છે.
ખંભાળિયામાં ૧૮ ઈંચ, જામનગરમાં ૧૫.૨ ઈંચ, જામજોધપુરમાં ૧૩ ઈંચ, લાલપુરમાં ૧૨.૭૫ ઈંચ, રાણાવાવમાં ૧૧.૫ ઈંચ, કાલાવડમાં ૧૧.૧૮ ઈંચ, લોધિકા અને ભાણવડમાં ૧૦.૫ ઈંચ, કોટડા સંગાણીમાં ૧૦.૨ ઈંચ, પોરબંદરમાં ૯.૯ અને દ્વારકામાં ૯.૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું.કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
૧૨ જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ગુજરાત વહીવટી તંત્ર સુરક્ષા બચાવ માટે એલર્ટ થઈ ગયું છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ યથાવત છે. માંજલપુર, વડસર અને કલાલીમાં પાણી ભરાયા છે. કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયાં છે. હોસ્પિટલના આઇસીયુમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે. સ્ટ્રેચરમાં દર્દીઓને રેસ્ક્યુ કરી લઇ જવાયા છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું છે.