દ્વારકામાં ૪૫ જીવતા લોકોએ મરણનો દાખલો કઢાવ્યો, એક કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ

દ્વારકા, દ્વારકામાં જીવિત વ્યક્તિનો મરણનો દાખલો બનાવી વીમો પાસ કરાવવાનું કૌભાંડ સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે. આ કૌભાંડને લઈને ૬ લોકો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં છે. જે બાદ એસઓજીની ટીમે આ ૬ પૈકી પાંચની અટકાયત કરી છે.

રિલાયન્સ નીપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં ૪૫ જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કુલ રૂપિયા ૧.૦૩ કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવા બદલ ૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના બાંદ્રા ખાતે આવેલી રિલાયન્સ નિપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં ડેપ્યુટી મેનેજર વાસુદેવભાઈ દ્વારા ખંભાળિયાની રિલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ધના રામ નંદાણીયા, ખીમા ચાવડા અને મુકેશ ભરવાડ સહિત અન્ય ૩ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ સેલ્સ મેનેજર મુકેશ ભરવાડ, ધના નંદાણીયા તથા ખીમા ચાવડાએ પોતાના અંગત ફાયદા માટે વીમાધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવ્યા હતા. જેનો ઉપયોગ કરીને ખોટા ડેથ ક્લેમ મૂકીને કુલ ૧.૦૩ કરોડ રૂપિયાની રકમ ડેથ ક્લેમ કરવામાં આવી હતી.

ડેપ્યુટી મેનેજર વાસુદેવભાઈની ફરિયાદના આધારે એસઓજીની ટીમે કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી છે. ટીમે રામ મચ્છા મુંધવા, ભરત દેવાત નંદાણીયા, ધના રામ નંદાણીયા, રાજેશ મગન જગતિયા અને અરજણ આંબલીયા નામના પાંચ શખ્સોની અટકાયત કરી છે.