
દ્વારકા, વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધા-યાત્રા સાથે હરવા ફરવાના સ્થળોનો પણ વિકાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ફક્ત દ્વારકા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને કોવિડ પરિસ્થિતિ કાબુમાં આવ્યા પછી લોકોને ધાર્મિકતા સાથે હરવા-ફરવાનું મહત્વ પણ વધી ગયું છે. સમગ્ર ભારતમાં દ્વારકા પંથક શ્રદ્ધા તેમજ ફરવાના સ્થળ માટે હવે ફેવરિટ બની રહ્યું છે. જેથી દ્વારકા વિસ્તારમાં આવતા મુસાફરો, યાત્રાળુઓની સંખ્યામાં પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.
સરકાર દ્વારા દ્વારકા તીર્થ સ્થળ ઉપરાંત નિર્માણાધિન સિગ્નેચર બ્રિજ, શિવરાજપુર બીચ સહિતના સ્થળો માટે કેળવવામાં આવેલા લક્ષ્યની સાથે સાથે વાહનોની ફ્રિકવન્સી પણ વધી ગઈ છે. આ પરિસ્થિતિમાં દેશભરના જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવતા યાત્રાળુઓની સંખ્યાના આંકડાઓ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન દ્વારકામાં કુલ ૭૮.૫૧ લાખ યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં દ્વારકા ખાતે ડિસેમ્બર ૨૦૨૩ માસમાં ૧૧,૨૧,૬૩૪ યાત્રાળુઓ આવ્યા હતા. જે વર્ષનો સૌથી મોટો આંકડો બની રહ્યો છે. જ્યારે સૌથી ઓછા યાત્રાળુઓ જુલાઈ ૨૦૨૩ માસમાં ૩,૨૮,૯૬૦ અહીં આવ્યા હતા. નવાઈની બાબતો એ છે કે નવેમ્બર માસમાં દિવાળીના તહેવાર હોવા છતાં પણ ડિસેમ્બર માસ કરતા ઓછા યાત્રાળુઓ ૯.૫૬ લાખ નોંધાયા છે. જ્યારે વેકેશનના મહિના માર્ચ ૨૦૨૩ દરમિયાન ૧૦ લાખથી વધુ યાત્રાળુઓ-પ્રવાસીઓ દ્વારકા ખાતે આવ્યા હતા.
તમામ સાનુકૂળ પરિસ્થિતિ તેમજ હોટેલ, ગેસ્ટ હાઉસની વધતી જતી સુવિધાઓ સાથે સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને આપવામાં આવતા ઉત્તેજનના ફળ સ્વરૂપે સમગ્ર દ્વારકા પંથકમાં પ્રવાસીઓ યાત્રાળુઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.