ભગવાનના ધામમાં કોમી એક્તાની મહેક, દ્વારકા મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ શ્રીકૃષ્ણનો રથ ખેંચ્યો
દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાયો છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ જ થતાં ભક્તોએ નંદ ઘેર આનંદ ભયોના નાદ લગાવ્યા તમામ ભક્તોએ ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી. ભગવાનનો જન્મ થતાં જ મંદિરોમાં જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખીના નાથથી ગુંજી ઉઠ્યા. તો આ તરફ દેશભરમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ત્યારે મથુરા, દિલ્લી અને વૃંદાવનમાં પણ ભગવાનના જન્મોત્સવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે જગત મંદિર દ્વારકામાં અનોખું ચિત્ર જોવા મળ્યું. દ્વારકા મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ કૃષ્ણના વધામણા કર્યા હતા. કાન્હા વિચાર મંચની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાનના રથને ખેંચ્યો.
કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં દ્વારકાના મુસ્લિમો પણ સામેલ થાય છે. જે આજકાલથી નહીં, પણ અનેક પેઢીઓથી કોમી એખલાસનો માહોલ અહી જોવા મળે છે. જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં કાન્હા વિચાર મંચની ભવ્ય શોભાયાત્રામા હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાન શ્રી કૃષ્ણના રથને ખેંચીને વ્હાલાના વધામણા કરાયા હતા. કાન્હા વિચાર મંચની રથયાત્રામાં દ્વારકા નગરજનોમાં ઉત્સાહભેર જોડાયા હતા.
શ્રીકૃષ્ણની નગરીમાં મુસ્લિમોની આસ્થા હંમેશા ચર્ચામાં રહે છે. દ્વારકાનો મુસ્લિમ પરિવાર ત્રણ પેઢીથી દ્વારકાધીશ મંદિરના પ્રાંગણમાં ઢોલ અને શરણાઈ વગાડે છે. દ્વારકા મંદિરે આવતી ધ્વજાના સામૈયામાં ફિરોજભાઈ ઢોલ વગાડી પોતાનું ગુજરાન ચલાવે છે. દ્વારકામાં રહેતા ફિરોઝભાઈ મંદિર પરિસરમાં ઢોલ વગાડે છે. ફિરોઝભાઈના પિતા અને દાદા પણ અહીં ઢોલ વગાડતા હતા. ફિરોઝભાઈ પણ પોતાના પિતા પાસેથી ઢોલ વગાડતા શીખ્યા છે. દિવસ દરમિયાન મંદિરમાં પાંચ ધ્વજા ચડે છે. ત્યારે ધ્વજાના સામૈયા સમયે ફિરોઝભાઈ ઢોલ વગાડે છે.
અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તેમણે ભગવાનની આરતી પણ ઉતારી હતી.
મુખ્યમંત્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યા માં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તેમના ચરણોમાં માખણનો ઘડો ધરવવામાં આવ્યો હતાં.જ્યોતિર્લિંગ સમીપ વાસુદેવજી શ્રી કૃષ્ણને ટોકરીમાં માથે લઇને યમુના પાર કરતા હોય અને શેષનાગ માથા પર છાયા આપી રહેલ હોય તે પ્રકારનું દ્શ્ય સર્જવામાં આવ્યું હતું. એક અંદાજ મુજબ ૫૫, ૦૦૦થી વધુ ભકતોએ મહાદેવના દર્શન કર્યા હતાં રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીને લઇ ભક્તોની ભીડ સતત જામી રહી હતી. આ દરમિયાન રાત્રે ૧૨ કલાકે જય કનૈયા લાલ કીના જયઘોષ સાથે ભગવાન કૃષ્ણને વધાવી લેવાયા હતા. રાજ્યના દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી મંદિરમાં ભક્તો કૃષ્ણમય બન્યા હતા.
જન્માષ્ટમીના તહેવારને લઈ રાત્રે ૧૨ કલાકે તમામ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા હતા. આ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં હજારો ભક્તોએ કૃષ્ણજન્મને જયઘોષ સાથે વધાવ્યો તો બીજી બાજુ શામળાજી અને ડાકોરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરી નવા વાઘા પહેરાવવામાં આવ્યા. તમામ કૃષ્ણમંદિરોને મઘમઘતા ફુલોની સજાવવામાં આવ્યા હતા. શામળાજી, દ્વારકાધીશ અને ડાકોર મંદિરમાં મધરાત સુધી ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. ગુજરાતના ખુણે ખુણેથી મધરાતે કૃષ્ણ ભગવાનના ભક્તિરસમાં ભક્તો તરબોળ થયા હતા.