
આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે (4 એપ્રિલ, 2025)ના રોજ દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિસાગરને 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.
શાંતિસાગર ઓક્ટોબર, 2017થી જેલમાં છે. સાડાસાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર, 2027માં છૂટી જશે.
ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી-સાહેદોનાં નિવેદનો મહત્ત્વનાં સાબિત થયાં હતાં.
બે જજ બદલાયા, સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે ગયો છતાં જામીન ન મળ્યા સમગ્ર સુનાવણીમાં બે જજ બદલાયા, આરોપી શાંતિસાગરે જામીન માટે સુપ્રીમકોર્ટ સુધી પ્રયાસો કર્યાં છતાં 8 વર્ષમાં એકપણ જામીન મળ્યા નહોતા તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું. સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું. અંતે ન્યાય મળ્યો છે.
આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માગ કરી હતી. તેમણે દલીલમાં ખાસ કરી ગુરુના મહિમા દર્શાવતા “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ…” શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગુરુનું સ્થાન માતા-પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે. આઘાતમાં પિતા પણ ગુજરી ગયા. પીડિતાને વળતર આપવામાં આવે એ માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માગ કરી છે. બીજી તરફ બચાવપક્ષે ઓછી સજાની માગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ કેસમાં IPC કલમ 376(1), 376(2)(F) અને 379 હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
યુવતીના પિતાને ફોન કરીને શાંતિસાગરે બોલાવ્યા હતા ફરિયાદ અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી 2017ની 1 ઓક્ટોબરે માતા-પિતા સાથે જૈન દિગમ્બર મંદિરે આવી હતી, જ્યાં શાંતિસાગરે ફોન કરીને યુવતીના પિતાને બોલાવ્યા હતા. તેણે માતા-પિતા તથા યુવતીના ભાઇને અન્ય રૂમમાં બેસાડી યુવતીને બીજી રૂમમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.
ધાર્મિક વિધિ માટે પીડિતા પાસે નગ્ન ફોટા મગાવ્યા હતા પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પ્રથમ તેનાં માતા-પિતાને ચંદનના લાકડાંથી ઘેરાવેલા કુંડાળામાં બેસાડ્યાં અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમઃ’નો જાપ કરાવવાનું કહ્યું. પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું. આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના આપત્તિજનક ફોટા મગાવ્યા હતા. તેણે તસવીરો માટે કેટલીક વખત ફોન અને વ્હોટ્સએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે “મને તારો મિત્ર સમજો. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.”
‘હું કહું એ પ્રમાણ કર, નહીં તો તારાં માતા-પિતા મૃત્યુ પામશે’ પીડિતાનું કહેવું છે કે શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોક્યા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીનાં માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઈને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને પવનના ઝોંકા અને મોરપંખથી શારીરિક રીતે સ્પર્શ કર્યો. પછી યુવતીને અન્ય ખંડમાં લઈ જઈને કહ્યું કે “તું તારાં માતા-પિતાને સુખી જોઈ છે ને? તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમનાં મૃત્યુ થશે.” એ પછી લાઈટ બંધ કરીને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું.
પોતાની માફક અન્ય યુવતી ભોગ ન બને એ માટે પીડિતાએ ફરિયાદ કરી પીડિતા કોલેજમાં ભણતી હતી અને દુષ્કર્મની ઘટના પછી પેટ તથા ગુપ્તાંગમાં દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી. આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યાં અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોમ્બર 2017માં કરવામાં આવી હતી.