‘દુષ્કર્મ બાદ મહિલાની હત્યા’, મુન્દ્રામાં મહિલાના મૃતદેહને લઈને મોટો ખુલાસો થયો

ભુજ,

કચ્છના મુન્દ્રામાં રતાળિયા ગામ નજીકથી મળેલ મહિલાના મૃતદેહને લઈને મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. એટલુ જ નહીં પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ છે કે સૌથી પહેલા આરોપીએ મહિલાનુ અપહરણ કર્યુ હતુ અને ત્યાર બાદ દુષ્કર્મ કરી મહિલાનુ મોઢુ દબાવી હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનુ છે કે ૨૨ ફેબ્રુઆરીએ મહિલા મંદિરે દર્શન કરવા જતા હોવાનુ કહીને નીકળ્યા હતા,પરંતુ બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા રતાળિયા ગામની સીમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

થોડા દિવસો અગાઉ સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી.આરોપી મુકેશ પંચાલ માસૂમને ફોસલાવીને લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી નાખી હતી અને લાશને પેટી પલંગમાં છૂપાવી દીધી હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે બીજા દિવસે જ આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી અને આરોપી સામે પોલીસે ઝડપી ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટની પ્રોસિડિંગ પણ ઝડપી ચલાવવામાં આવી હતી.