દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસની ન્યાય યાત્રા ઓગસ્ટના બીજા તબક્કામાં શરૂ થશે

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ન્યાય યાત્રા યોજવામાં આવશે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ આગ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ન્યાય યાત્રા બે ભાગમાં યોજાશે. આ ન્યાય યાત્રામાં લોક્સભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થશે. આ ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોન આગકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને થાન સહિતના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રામાં સામેલ થવા માટે લોક્સભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ૧૩૦ કરતા વધુ લોકોના મોત થયા હતા. તો રાજકોટમાં ગેમઝોનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પણ ૨૭ લોકોના મોત થયા હતા. ત્યારબાદ સુરતમાં તક્ષશિલા આગકાંડમાં પણ લોકોના મોત થયા હતા.

રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે.