અમારું બધું બરબાદ થઈ ગયું. ઘરમાં રાખેલા 50 હજાર રૂપિયા લૂંટી લીધા. બાળકોનાં કપડાં અને ખાદ્યસામગ્રી બાળી નાખી. અમે તેમની સામે આજીજી કરી રહ્યા હતા, પરંતુ તેઓ રૂમમાં ઘૂસીને આગ લગાડી રહ્યા હતા.
બાળકો સાથે ઘરની દીવાલ પાસે બેઠેલી આસ્મા આ કહેતાં જ રડવા લાગે છે. 14 ઓક્ટોબરે યુપીના બહરાઈચમાં ફાટી નીકળેલી હિંસા આસમાનાં ગામ કબરીહન પૂર્વા સુધી પણ પહોંચી હતી. 500થી વધુ બદમાશો ગામમાં ઘૂસી ગયા અને ઘરોને આગ ચાંપી દીધી. હિંસા બહરાઈચથી લગભગ 40 કિલોમીટર દૂર મહારાજગંજ શહેરમાંથી શરૂ થઈ હતી. કબરીહન પૂર્વા ગામ મહારાજગંજને અડીને આવેલું છે.
લગભગ 6 હજારની વસતિ ધરાવતા મહારાજગંજમાં 80% ઘર મુસ્લિમોનાં છે. અહીં બે દિવસથી મૌન છે. 13 ઓક્ટોબર, 2024ના રોજ શહેરમાં મૂર્તિના વિસર્જન માટે યાત્રા કાઢવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. યાત્રામાં ભાગ લેનાર યુવકના મોતથી વાતાવરણ વધુ વણસી ગયું હતું. ત્યારથી દરેક ગલીમાં 10 પોલીસકર્મીઓ તહેનાત છે. બજારમાં દુકાનો, શોરૂમ, મકાનો અને વાહનો બળી ગયેલાં નજરે પડે છે.
ગભરાટનું વાતાવરણ એવું છે કે મુસ્લિમો તેમનાં ઘર છોડીને ભાગી ગયા છે, દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યાં છે. કેટલાંક ઘર ખુલ્લાં છે, પરંતુ અંદર કોઈ નથી. પોલીસે નજીકનાં 20 ગામોની ઓળખ કરી છે. આ ગામોમાંથી બદમાશો આવ્યા હોવાની આશંકા છે.દુર્ગા વિસર્જનનો પ્રસંગ અચાનક ધાર્મિક હંગામામાં કેવી રીતે ફેરવાઈ ગયો, આની પાછળના મુખ્ય ચહેરાઓ કોણ છે, હિંસા બાદ સરકાર અને પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં છે, વિસ્તારોમાં હાલ કેવું વાતાવરણ છે તે જાણવા માટે ભાસ્કર મહારાજગંજ પહોંચ્યું, જ્યાં હિંસા થઈ હતી.
મહારાજગંજની મધ્યમાં એક મસ્જિદ છે. તેની સામે સ્થાનિક બજાર છે. અહીંથી હિંસા શરૂ થઈ હતી. રવિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાથી લોકો નમાજ પઢવા માટે મસ્જિદમાં આવવા લાગ્યા હતા.તે જ ક્ષણે ડીજેનો અવાજ આવવા લાગ્યો. દેવીની મૂર્તિના વિસર્જન માટે 100થી વધુ લોકો ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા. ભીડ હાથમાં ભગવા ઝંડા લઈને મસ્જિદની સામે પહોંચી હતી. ડીજે પર વાગતાં ગીતોને કારણે વાતાવરણ ગરમાયું હતું.
આ દરમિયાન, 25 વર્ષીય રામગોપાલ મિશ્રા દેવીની મૂર્તિ સાથે ચાલતી ભીડમાંથી નીકળી ગયો અને એક ઘરની છત પર ચઢી ગયો. તેણે છત પરથી ધાર્મિક ધ્વજ હટાવીને ભગવો ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. પથ્થરમારો શરૂ થઈ ગયો. પથ્થરમારાને કારણે દેવીની મૂર્તિ તૂટી ગઈ અને બબાલ વધી ગઈ.
વાતાવરણ વધુ વણસે તેવી આશંકા થતાં જ મહસી પોલીસ ચોકીના ઈન્ચાર્જ શિવકુમાર સક્રિય થઈ ગયા હતા. એસપી વૃંદા શુક્લાએ ફોર્સને બોલાવવા માટે ફોન કરવાનું શરૂ કર્યું. એક કલાકમાં 100થી વધુ પોલીસકર્મીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન એક ઘરમાંથી ગોળીનો અવાજ આવ્યો. ગુસ્સે ભરાયેલ ટોળું ઘર તરફ દોડી ગયું. થોડા સમય બાદ રામગોપાલને ઈજાગ્રસ્ત હાલતમાં ઘરની બહાર લઈ જવામાં આવ્યો હતો. લોકો તેને મેડિકલ કોલેજ લઈ ગયા. ત્યાં તેનું મૃત્યુ થયું.
મહારાજગંજમાંથી પસાર થતી આ યાત્રા 8 કિલોમીટર દૂર રેહુઆ મન્સૂર ગામથી શરૂ થઈ હતી. ગ્રામજનોએ નવરાત્રિ દરમિયાન દેવીની મૂર્તિની સ્થાપના કરી હતી. દશેરાના બીજા દિવસે વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ હતી. સાંજે 4 વાગે મૂર્તિને ટ્રેક્ટરમાં મૂકીને યાત્રા મહારાજગંજ બજાર તરફ આગળ વધી હતી. વિસર્જન ઘાટનો માર્ગ મહારાજગંજ શહેરમાંથી જાય છે.
રેહુઆ મન્સૂર ગામના અભિષેક મિશ્રા પણ તે દિવસે યાત્રામાં હતા. અભિષેકના કહેવા પ્રમાણે, રામગોપાલને તેની સામે ગોળી વાગી હતી. તે કહે છે, ‘અમે નાચતા-ગાતા યાત્રા સાથે ચાલી રહ્યા હતા. રામગોપાલ સૌથી આગળ હતો. યાત્રા મહારાજગંજમાં અબ્દુલ હમીદના ઘરની સામે પહોંચી. અબ્દુલનાં પરિવારજનોએ ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને ડીજેના તાર ખેંચીને તોડી નાખ્યા. તેઓએ દેવીની મૂર્તિ પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું. ત્યારે તેની સાથે અન્ય લોકો પણ ત્યાં આવ્યા હતા. હિન્દુ ધર્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.
‘ત્યારે જ ઘરની અંદરથી અવાજ આવ્યો – ****ને પકડો. તેઓ અમારી સાથે આવેલા રાજન અને કૃષ્ણાને ઘરની અંદર ખેંચી ગયા. રામગોપાલ બીજી તરફ દોડ્યો અને ઘરની છત પર કૂદી ગયો. ત્યાં એક ઝંડો હતો. તેણે ઝંડો તોડીને ભગવો ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું.
અભિષેક આગળ કહે છે, ‘તે દરમિયાન, કેટલાક લોકો ઘરની બહાર આવ્યા અને રામગોપાલને ઘરની અંદર ખેંચી ગયા. તેને ચાકુ મારવામાં આવ્યું અને પછી ગોળી મારી દેવામાં આવી. રાજન અને કૃષ્ણા રામગોપાલને ઘરની બહાર લાવે છે. તેની છાતીમાંથી લોહી વહી રહ્યું હતું. હું તેને ઈ-રિક્ષા દ્વારા મેડિકલ કોલેજ લઈ ગયો, પરંતુ તેને બચાવી શક્યો નહીં.
રામગોપાલના મોતના સમાચાર મળતાં જ મહારાજગંજ માર્કેટમાં હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા લોકોએ અબ્દુલ હમીદના ઘર પાસે પાર્ક કરેલાં વાહનોની તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. બંને બાજુથી પથ્થરો થયો. તે સમયે ત્યાં બહુ પોલીસ બંદોબસ્ત ન હતો. આગ લાગવાની માહિતી મળતાંની સાથે જ પોલીસે આવીને લાઠીચાર્જ કરીને ભીડને કાબૂમાં લીધી હતી.
યાત્રામાં ભાગ લેનાર લોકોએ જણાવ્યું હતું કે બજારમાં નાસભાગ મચી ગઈ હતી. રામગોપાલ અબ્દુલના ઘરમાં ફસાઈ ગયો હતો. જ્યારે રાજન અને સત્યવાને રામગોપાલને બચાવવાનો પ્રયાસ કર્યો તો આરોપીઓએ તેમને ખૂબ માર માર્યો. પથ્થરમારામાં ગામના સુધાકર તિવારી, અખિલેશ વાજપેયી, વિનોદ મિશ્રા સહિત 12થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામની સારવાર બહરાઈચની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
રામગોપાલની બહેને કહ્યું- ભાઈને 15 ગોળી મારી, ગળું કાપી નાખ્યું મહારાજગંજ માર્કેટથી શરૂ થયેલી હિંસાની અસર ટૂંક સમયમાં બહરાઈચ શહેરમાં પહોંચી ગઈ. રામગોપાલના પરિવાર સાથે સેંકડો લોકોએ તેનો મૃતદેહ બહરાઈચ મેડિકલ કોલેજના ગેટ સામે રાખ્યો અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પહેલા પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર ન હતો, પરંતુ ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહના આગ્રહ પર સંમત થયા હતા.
રામગોપાલના મૃત્યુના સમાચાર સાંભળીને તેમની બહેન પ્રીતિ લખનઉથી બહરાઈચ પહોંચી. તેણી કહે છે, ‘તેઓએ મારા ભાઈને જાનવરની જેમ મારી નાખ્યો. તેનું ગળું કાપ્યું, પગના નખ ઉખાડી નાખ્યા હતા. રામગોપાલના આખા શરીર પર ગોળી વાગી હતી અને તેના પેટ પર ચાકુ માર્યાનાં અનેક નિશાન હતાં. તેને 15 ગોળી મારી છે.’