
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનમાં હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન ઇમરાન ખાને શાસક ગઠબંધનના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે વડા પ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળના આ “દગાખોર” એ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે, અને હવે તેઓ વિશ્ર્વ સમક્ષ ભીખ માંગી રહ્યા છે. સોમવારે પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જીનેવા ખાતે યોજાયેલ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે, પાકિસ્તાનમાં ગયા વર્ષના વિનાશક પૂર પછી દેશને આબોહવા-મૈત્રીપૂર્ણ રીતે પુન:નિર્માણ કરવામાં મદદ કરવા માટે ૧૦ બિલિયનથી વધુ ડોલરની મદદ કરવાનું વચન આપ્યું છે, જે પછી ખાનની આ ટિપ્પણી આવી છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે વીડિયો દ્વારા પોતાની પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા પાકિસ્તાનની સરખામણીમાં ભારત અને બાંગ્લાદેશની પ્રગતિ વિશે પણ વાત કરી. ખાને કહ્યું, જરા આઈટી સેક્ટરનો જ દાખલો લો. ૨૦૦૦માં ભારતની ટીટી નિકાસ યુએસ ૧ બિલિયન હતી અને આજે વધીને બિલિયન થઈ ગઈ છે. અને જુઓ આજે આપણે ક્યાં ઉભા છીએ. બે પરિવારો શરીફ અને ઝરદારી ૩૫ વર્ષથી સત્તામાં છે, પરંતુ ક્યારેય નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી.
ઈમરાન ખાને કહ્યું કે આ ફક્ત એટલા માટે થયું છે કારણ કે ‘દગાખોરોનુ ટોળુ’ આપણા પર લાદી દેવામાં આવ્યું છે. ખાને કહ્યું કે શાહબાઝના નેતૃત્વમાં આ દગાખોરોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે અને હવે તેઓ સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થા માટે દુનિયા પાસે ભીખ માંગી રહ્યા છે.
પાકિસ્તાનમાં સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. અહીંથી જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે જોઈને એવું લાગે છે કે જાણે આપણો દેશ ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આ શરીફ સરકારની ખોટી નીતિઓનું પરિણામ છે. અહીં મોંઘવારી એટલી વધી ગઈ છે કે ૫ રૂપિયામાં મળતું બિસ્કિટ ૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. લોટ લગભગ સમાપ્ત થઈ ગયો છે. લોકો ૨૪-૨૪ કલાક લાઈનોમાં ઉભા રહીને લોટની બોરી ખરીદી રહ્યા છે, પરંતુ તેની કિંમત પણ ૩૧૦૦ થી ૩૫૦૦ સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાનની હાલત જોઈને લોકોના દિલમાં પરસેવો છૂટી જાય છે. ભલે આ દેશ આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે અને તેનો ઉપયોગ ભારત માટે કરે છે, પરંતુ અહીંના નિર્દોષ બાળકો જે રીતે દરેક રોટલી માટે તરસી રહ્યા છે, તે જોઈને અફસોસ થાય છે.