
નવીદિલ્હી,
ભારતમાં દુનિયાની સૌથી લાંબી સફર કરાવતી રિવર ક્રૂઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૩મી જાન્યુઆરીએ વારાણસીમાં ગંગા વિલાસ નામની ક્રૂઝનું લોકાર્પણ કરશે. સરકારને આશા છે કે ગંગા વિલાસથી ભારતમાં રિવર ક્રૂઝ ટુરિઝમનો એક નવો અયાય શરૂ થશે.ગંગા વિલાસ પોતાનામાં સૌથી અનોખી ક્રૂઝ સર્વિસ છે, જેમાં ૫૧ દિવસ સુધીના રાઉન્ડમાં પ્રવાસીઓ ૫૦ ટુરિસ્ટ સ્પોટની મુલાકાત કરી શકશે.યાત્રા દરમિયાન ક્રૂઝમાં નેશનલ પાર્ક, નદીના ઘાટ તેમજ પટના, ઝારખંડના સાહિબગંજ, કોલકાતા, ગુવાહાટી સહિતનાં ઐતિહાસિક શહેરો અને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ પણ જોઈ શકાશે. ક્રૂઝ બાંગ્લાદેશના પાટનગર ઢાકાની પણ યાત્રા કરાવશે.
ગંગા ક્રૂઝમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અગત્યની હેરિટેજ સાઈટ્સની પણ મુલાકાત કરી શકાશે. યાત્રિકો વારાણસીની ગંગા આરતી તેમજ બૌદ્ધ ધર્મનાં સૌથી મહત્વના કેન્દ્ર સારનાથની પણ મુલાકાત લઈ શકશે. આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં આવેલા દુનિયાના સૌથી મોટા રિવર આઈલેન્ડ અને વૈષ્ણવ સંપ્રદાયના કેન્દ્ર માઝુલીમાં પણ ગંગા ક્રૂઝ રોકાણ કરશે. બિહારની ઐતિહાસિક સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવસટીમાં યાત્રિકો ભારતની આદ્યાત્મિક્તા અને જ્ઞાનનાં સમૃદ્ધ વારસાને પણ જોઈ શકશે. ક્રૂઝ બંગાળની ખાડીમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ સુંદરબન તેમજ આસામનાં કાઝીરંગા નેશનલ પાર્કની પણ સફર કરાવશે.
ગંગા વિલાસની વિશેષતાઓ પર નજર કરીએ તો આ ક્રૂઝની લંબાઈ ૬૨ મીટર અને પહોળાઈ ૧૨ મીટર છે. ક્રૂઝમાં ૩ ડેક અને ૩૬ યાત્રિકોની ક્ષમતા સાથેનાં ૧૮ સ્યુટ્સ છે. યાત્રિકોને ક્રૂઝમાં હોટેલ જેવી તમામ લક્ઝુરિયસ સુવિધાઓ મળશે. આ ક્રૂઝ પ્રદૂષણમુક્ત મિકેનઝમ અન નોઈસ કન્ટ્રોલ ટેક્નોલોજીથી સજ્જ હોવાનો દાવો કરાયો છે.૧૦ જાન્યુઆરીએ શરૂ થનારી ગંગા ક્રૂઝની પહેલી ટ્રિપમાં સ્વિટ્ઝરલેન્ડનાં ૩૨ યાત્રિકો જોડાયા છે, જેઓ લોકલ સાઈટસીંગ પૂર્ણ કરશે, ત્યારબાદ ૧૩મીએ વારાણસીથી રાબેતા મુજબની ટ્રિપ ઉપડશે. વારાણસીથી શરૂ થનારી ક્રૂઝ ૫૦ દિવસમાં ભારત અને બાંગ્લાદેશમાં પથરાયેલી ગંગા સહિતની નદીઓમાં ૩૨૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને પછી વારાણસી પરત ફરશે.
હાલ સરકાર તરફથી ગંગા ક્રૂઝનું ભાડું સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યું, જો કે સૂત્રોનું માનીએ તો યાત્રિક દીઠ દરરોજનું ભાડું ૨૫ હજાર રૂપિયા છે. એટલે કે ૫૦ દિવસની ટ્રિપમાં એક વ્યક્તિનું ભાડું ૧૨.૫ લાખ રૂપિયા જેટલું થાય. આ ભાડું ગંગા ક્રૂઝને એક વર્ગ પૂરતી મર્યાદિત બનાવે છે.કેન્દ્રિય શિપિંગ, પોર્ટસ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળ આવતી ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે, જો કે ગંગા ક્રૂઝનું સંચાલન ખાનગી ઓપરેટર્સ દ્વારા કરવામાં આવશે.