- સનાતન ધર્મ પર હુમલો માનવતા પર સંકટ લાવશે.
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક જ ધર્મ છે અને તે છે ’સનાતન ધર્મ’, બાકીના બધા સંપ્રદાયો અને પૂજા પ્રણાલી છે. સીએમ યોગીએ તેમના દાદા ગુરુ બ્રહ્માલિન મહંત દિગ્વિજયનાથની ૫૪મી પુણ્યતિથિ અને તેમના ગુરુ બ્રહ્માલિનની નવમી પુણ્યતિથિ નિમિત્તે ગોરખનાથ મંદિરમાં આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે સમાપન સત્રને સંબોધિત કરતા કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગોરક્ષપીઠાધિશ્ર્વર યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું, ’સનાતન ધર્મ માનવતાનો ધર્મ છે. જો સનાતન ધર્મ પર હુમલો થશે તો વિશ્ર્વની માનવતા જોખમમાં આવશે. ગોરખનાથ મંદિરના દિગ્વિજયનાથ મેમોરિયલ ઓડિટોરિયમમાં ઉપસ્થિત ભક્તોને સંબોધતા સીએમ યોગીએ કહ્યું, ’શ્રીમદ ભાગવતના સારને સમજવા માટે વિચારોની સંકુચિતતા ન હોવી જોઈએ. સંકુચિત મનના લોકો વિશાળતાને જોઈ શક્તા નથી. આ કથા જ્ઞાન યજ્ઞમાં આપ સૌએ સાત દિવસ સુધી સંપૂર્ણ એકાગ્રતાથી કથા સાંભળી. તેનાથી જીવનમાં કેટલાક સારા બદલાવ ચોક્કસથી આવશે.
શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ’શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જે પણ મુક્તિની વાત કરવામાં આવી છે, તે માત્ર સનાતન ધર્મમાં જ જોવા મળશે અને બીજે ક્યાંય જોવા નહીં મળે. માત્ર ભગવાન વેદ વ્યાસ જ આ ગેરંટી આપી શકે છે, જે અહીં છે તે દરેક જગ્યાએ છે અને જે અહીં નથી તે દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. ભારતના તમામ નાગરિકોએ તેના પર ગર્વ અનુભવવો જોઈએ.