મુંબઈ,
વિતેલા સમયની બોલિવૂડ એક્ટ્રેસ તથા ક્લાસિકલ ડાન્સર બેલા બોઝનું ૨૦ ફેબ્રુઆરીના રોજ ૮૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. બેલા ટ્રેઇન્ડ ક્લાસિકલ મણીપુરી ડાન્સર હતાં. બેલાએ ૧૯૫૦-૧૯૮૦ના સમયગાળામાં બોલિવૂડમાં કામ કર્યુ હતું. બેલા ’જીને કી રાહ’, ’શિખર’, ’જય સંતોષી મા’ જેવી ફિલ્મ માટે જાણીતા હતાં. બેલાએ ૨૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. ૬૦-૭૦ના દાયકામાં હિંદી ફિલ્મમાં ડાન્સર તરીકે ગણ્યાગાંઠ્યાં જ નામ હતા, જેમાં હેલન, અરુણા ઈરાની તથા બેલા સામેલ હતા. ઉલ્લેખનીય છે કે બેલા બોસે ’જય સંતોષી માતા’માં દુર્ગા વ્યાસનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં આ પાત્ર નેગેટિવ હતું.
બેલા બોઝના દીકરા અભિજીત સેનગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ’મારી મમ્મી ૨૫ દિવસ પહેલાં નવી મુંબઈની હોસ્પિટલમાં એડમિટ હતી. તેમને હાયપોનેટ્રેમિયા તથા અન્ય બીમારીઓ હતા. તેમને ૨૦ ફેબ્રુઆરીના રોજ બપોર હાર્ટ અટેક આવ્યો હતો. બેલા મલ્ટી ટેલેન્ટેડ હતાં. એક્ટ્રેસ ઉપરાંત ગ્રેટ ક્લાસિકલ ડાન્સર, કવિયત્રી, પેઇન્ટર, નેશનલ લેવલના સ્વિમર હતા.
બેલાનો જન્મ ૧૯૪૩માં કોલકાતામાં સુખી સંપન્ના પરિવારમાં થયો હતો. તેમના પિતા કાપડના વેપારી હતી અને માતા હાઉસવાઇફ હતા. પિતાએ તમામ પૈસા જે બેંકમાં રાખ્યા હતા, તે બેંક ડૂબી ગઈ હતી. આ જ કારણે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવાર મુંબઈ આવી ગયો હતો. જોકે, અહીંયા પિતાનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. પરિવારને મદદ કરવા બેલાએ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બેલાએ સ્કૂલમાં ડાન્સ ગ્રુપ જોઇન કર્યું હતું અને વિવિધ જગ્યાએ પર્ફોર્મન્સ આપ્યાં હતાં.
૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ ’મૈં નશે મૈં હૂં’માં બેલાને રાજ કપૂર સાથે ડાન્સ નંબર ઑફર થયો હતો. આ ફિલ્મથી બેલા બોલિવૂડમાં જાણીતા બન્યાં હતાં. ત્યારબાદ ૨૧ વર્ષની ઉંમરે ૧૯૬૨માં ’સૌતેલા ભાઈ’ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં ગુરુ દત્ત હતા. બેલાએ બંગાળી નાટકોમાં પણ કામ કર્યું છે. બેલાએ મોટાભાગે વિલનના રોલ પ્લે કર્યા છે.
બેલાએ ફિલ્મમેકર તથા હીરો આશિષ કુમાર સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી મંજુશ્રી નાયર તથા દીકરો અભિજીત સેનગુપ્તા છે. દીકરી કોઈમ્બતુરમાં ડૉક્ટર છે. દીકરો એડ ફિલ્મ બનાવે છે અને પિતાની કંપની જય સંતોષી માતા પ્રોડક્શન ચલાવે છે. પતિ આશિષ કુમારનું ૨૦૧૩માં અવસાન થયું હતું.