દુકાન બંધ કરી ઘરે જઈ રહેલા વેપારીને ત્રણ લૂંટારાએ ઘેરી લઇ ૮ લાખ ભરેલી બેગ લઈ ફરાર

સુરતમાં વધુ એક દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં બાઇક પર ત્રણ લૂંટારુ આવી તમાકુના વેપારીને આંતરીને રસ્તામાં લૂંટ ચલાવી હતી. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી વેપારી પાસે રહેલી 8 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલાને લઇ વેપારી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ બાદ અડાજણ પોલીસ સહિત SOG, DCB સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને તારતાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે. અડાજણ પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર પાલનપુર પાટિયા ખાતે રવિ અમરણા નામના વેપારી પાન એન્ડ કોલ્ડડ્રિંક્સ એન્ડ હોલસેલની દુકાન ચલાવે છે. ગત મોડી રાત્રે દુકાનના વેપારી પાસેથી બાઇક પર આવી ચઢેલા અજાણ્યા ત્રણ શખસો દ્વારા રૂપિયા 8 લાખની દિલધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. રવિ અમરણાની નામનો વેપારી રાત્રિના 11:30થી 12:00 વાગ્યાના સમય દરમિયાન પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યો હતો. ધંધાનો વકરો સહિત આઠ લાખની મોટી રકમ લઈ જઈ રહેલા વેપારીને અધરસ્તે પાલનપુર જકાતનાકાથી એલ.પી. સવાણી રોડ વચ્ચે આંતરી બાઇક પર આવી ચઢેલા ત્રણ જેટલા અજાણ્યા શખસો દ્વારા ઘાતક હથિયાર વડે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

વેપારી પાસેથી લાખોની મતા ભરેલો થેલો ઝૂંટવી ત્રણે લૂંટારા ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જ્યાં નજીકના સીસીટીવીની તપાસ કરતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

વેપારી સાથે બનેલી દિલધડક લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તા પરથી પસાર થઈ રહેલા વેપારીને અચાનક જ પાછળથી બાઇક પર ત્રણ શખસ આવી આંતરીને હાથમાં રહેલી લાખો ભરેલી થેલી ઝૂંટવી લીધી હતી. વેપારીએ પ્રતિકાર કરતાં લૂંટારાએ તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમ છતાં વેપારી લૂંટારાઓ પાછળ ભાગવા જતાં અનેક વખત તેની પર હુમલો કરતા જોવા મળ્યા હતા.

સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી લૂંટની આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગઈ છે. બીજી તરફ, ઘટનાને પગલે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા થયા છે. ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. હાલ ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટના બાદ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી હોય એવી ભીતિ વેપારી આલમ સેવી રહી છે.