ભારતથી દુબઈ સીમકાર્ડ મોકલવાના કૌભાંડનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો હતો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 55 સીમકાર્ડ સાથેનું પાર્સલ ઝડપાયા બાદ પોલીસે વડોદરા 2 અને ભરૂચનો એક મળી કુલ ત્રણ શખસોને ઝડપી લીધા છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી અજય ભાલીયાએ દુબઈમાં 39 બેન્ક એકાઉન્ટ પણ આપ્યા હતા, જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે જ થતો હતો.
અમદાવાદ શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. આ શંકાસ્પદ પાર્સલ વડોદરાથી દુબઈ જઈ રહ્યું હતું, જેમાં તપાસ કરતા શંકાસ્પદ સીમકાર્ડ મળી આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓને જાણ કરતા પોલીસે પાર્સલમાં તપાસ કરતા કાર્બન પેપરમાં છુપાવેલા 55 જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પાર્સલ સૂર્યા નામના વ્યક્તિને સીંગલ બિઝનેસ ટાવર દુબઇ ખાતે વડસર ગામ વડોદરાથી મોકલાયું હતું. આ પાર્સલ અંગે માહિતી એકઠી કરવા માટે તપાસ આરંભીને શંકાને આધારે રાહુલ શાહ, કાંતિ બલદાણીયા અને અજય ભાલિયાની ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાના જણાવ્યા મુજબ દુબઇમાં ઓનલાઇન ગેંમિંગનુ કૌભાંડ ચલાવતી ગેંગને કોલીંગ માટે મોટાપ્રમાણમાં સીમકાર્ડની જરૃરીયાત રહેતી હતી અને અજય ભાલિયા સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ચલાવતો હતો. આ માટે રાહુલ શાહ જ્યારે કોઇ ગ્રાહકનું સીમ કાર્ડ ઇસ્યુ કરાવતો ત્યારે એક સીમકાર્ડ બાયોમેટ્રીક સિસ્ટમથી ઇસ્યૂ કરતો હતો. જે ગ્રાહકને આપતો હતો અને એક સીમકાર્ડ ઓફલાઇન આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજથી ઇસ્યૂ કરીને પોતાની પાસે રાખતો હતો. આ રીતે તેણે કુલ 55 સીમકાર્ડ લીધા હતા. જે એક સીમકાર્ડના 300 રૃપિયા લઇને કાંતિ બદલાણિયાને આપતો હતો. કાંતિ બલદાણિયા એક સીમકાર્ડ 350 લેખે અજય ભાલિયાને આપતો અને અજય ભાલિયા એક સીમકાર્ડ 450 રૂપિયા લેખે દુબઇ સપ્લાય કરતો હતો.આ મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં દુબઇ ખાતે સીમકાર્ડ મોકલ્યા હોવાની શક્યતા છે.
આ ઉપરાંત પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી અજય ભાલીયા માત્ર સીમકાર્ડ જ નહિ પરંતુ, બેન્ક એકાઉન્ટ પણ આપતો હતો. અત્યાર સુધી 30 જેટલા બેન્ક એકાઉન્ટ કમિશન પર દુબઈ આપ્યા હતા, જેમાં એકાઉન્ટ હોલ્ડરને ગેમિંગ માટે એકાઉન્ટ આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ તમામ એકાઉન્ટ દ્વારા કોઈ સાયબર ક્રાઈમ કરવામાં આવ્યો છે કે કેમ તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.