દુબઈથી બુકીઓ પાસેથી આવેલા રૂપિયા નામ બદલીને દીપ શાહ લેતો હતો

જુનાગઢ, જુનાગઢ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડબાજ તરલ ભટ્ટને ૬૦૦ એકાઉન્ટ્સની માહિતી આપનાર દીપ શાહની ધરપકડ બાદ મહત્ત્વના ખુલાસાઓ થયાં છે. તરલ ભટ્ટ, દીપ અને બુકીઓ સાથે વોટસએપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. તરલ ભટ્ટ સામે વધુ ૩ વ્યક્તિનાં ૧૬૪ મુજબ નિવેદનો લેવાયાં છે. એટીએસની ટીમે તમામ નિવેદનોનાં આધારે આગળની તપાસ ચાલુ કરી છે.

જૂનાગઢ મહા તોડકાંડના ચર્ચાસ્પદ કેસમાં બે દિવસ પહેલા વધુ એક શખ્સ દીપ શાહની ધરપકડ કરવામાં આવી હતી. એન્ટી ટેરરિઝમ સ્કવૉડે દીપ શાહને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. માહિતી મુજબ, દીપ શાહ મુંબઈ એરપોર્ટથી થાઇલેન્ડ જતો હતો ત્યારે ઇમિગ્રેશન વિભાગે પકડીને એટીએસને સોંપ્યો હતો. દીપ શાહની પૂછપરછ દરમિયાન મહત્ત્વના ખુલાસાઓ થયા છે. દીપ શાહે તરલ ભટ્ટને ૬૦૦ ખાતાની માહિતી આપી હતી. દુબઈથી બુકીઓ પાસેથી આવેલા રૂપિયા નામ બદલીને દીપ શાહ લેતો હતો અને પછી તરલ ભટ્ટને આપતો હતો. દીપ શાહે હવાલાના માયમથી લીધેલા રૂપિયાની વિગતો ઈડીને સોંપાશે.

તપાસમાં જાણવા મળ્યું કે, તરલ ભટ્ટ વોન્ટેડ હતા ત્યારે જે હોટલોમાં રોકાયા હતા ત્યાં પણ ડમી ડોક્યુમેન્ટ્સ આપ્યાં હતાં. તરલ ભટ્ટને આ ડમી ડોક્યુમેન્ટ્સ પણ દીપ શાહે જ આપ્યા હતા. તરલ ભટ્ટ, દીપ અને બુકીઓ સાથે વોટસએપ કોલનાં માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. ત્યારે હવે તરલ ભટ્ટ અને દીપ શાહ સામે નકલી ડોક્યુમેન્ટ બનાવવા અંગે વધુ એક ગુનો નોંધાઈ શકે છે. ઉપરાંત, તરલ ભટ્ટ સામે વધુ ૩ વ્યક્તિનાં ૧૬૪ મુજબ નિવેદનો લેવાયાં છે અને એટીએસની ટીમે તમામ નિવેદનોના આધારે તપાસ ચાલુ કરી છે.