અબુધાબી, દુબઇમાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સંયુક્ત અરબ અમીરાતમાં મંગળવારે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવા શહેરોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદના પગલે ઘણા મોટા હાઈવે અને એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વિમાનોની અવરજવર પર પણ અસર પડી હતી. દરમિયાન પાડોશી ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે ૧૮ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગુમ છે.
મળતી માહિતી અનુસાર સોમવાર અને મંગળવારની રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ હતી. દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્ર્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવાર સુધીમાં ૧૨૦ મીમી (૪.૭૫ ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરોના રસ્તાઓ પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગની સરકારી કચેરીઓ પણ બંધ રહી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા હતા. કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, દુબઈ પોલીસે લોકોને સાવચેત કરવા માટે જાહેર સુરક્ષા સલાહ જારી કરી હતી.
હવામાન વિભાગની એડવાઈઝરી મુજબ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ આગામી ચોવીસ કલાક રહી શકે છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વરસાદને કારણે એરપોર્ટની સાથે સાથે ઘણા મોલ, મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
મહત્વનું છે કે ગત વર્ષે વરસાદ અને તોફાનને કારણે ક્તાર, બહેરીન અને સાઉદી અરેબિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મળતી માહિતી મુજબ દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ જવાને કારણે વિમાનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. લગભગ ૪૫ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે ૩ ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
જાણકારીઅનુશાર નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (એનસીએમ) એ ચેતવણી આપી છે કે આગામી ૪૮ કલાકમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, તેથી આપણે તૈયાર રહેવું પડશે.
રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું હતું કે, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અન્ય અમીરાત જેવા સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ શક્યતા છે.” હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓથોરિટીએ લોકોને તેમના વાહનો પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ પાર્ક કરવાની સલાહ પણ આપી છે. તમને જણાવી દઈએ કે પડોશી દેશો બહેરીન, ક્તાર અને સાઉદી અરેબિયામાં પણ ભારે વરસાદ થયો છે.