નોકરી માટે દુબઈ ગયેલા પંજાબના ૨૧ વર્ષના યુવકનું પાકિસ્તાનના એક ગ્રુપે કરેલા હુમલામાં મૃત્યુ થયું હોવાથી દુબઈમાં રહેતા ભારતીયો ગુસ્સે ભરાયા છે. પંજાબના લોહાતબદ્દી ગામમાં રહેતા મનજોત સિંહનો મૃતદેહ આજે તેના ગામ આવશે.
એક વર્ષ પહેલાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં લેબર તરીકે કામ કરવા દુબઈ ગયેલો મનજોત બે ગ્રુપ વચ્ચે થયેલી મારામારીમાં ચાકુના હુમલાનો ભોગ બન્યો હતો.
૧૮ જૂને બનેલી આ ઘટનાની માહિતી તેના પરિવારજનોને મનજોતના મિત્રએ આપી હતી. તે દુબઈના જેબલ અલી એરિયામાં બીજા પાંચ જણ સાથે ભાડા પર રહેતો હતો એમાં એક પાકિસ્તાનીનો સમાવેશ હતો. જોકે તેના આ રૂમમેટનો પાકિસ્તાનના જ બીજા એક ગ્રુપ સાથે ઝઘડો થયો હતો અને આ ૧૨ જણના ગ્રુપે હુમલો કર્યો ત્યારે મનજોતને તેના પાકિસ્તાની રૂમમેટે મદદ માટે બોલાવ્યો હતો ત્યારે ચાકુથી કરવામાં આવેલા હુમલામાં તેનું મૃત્યુ થયું હતું.
મનજોતના પપ્પા દિલબાગ સિંહે કહ્યું હતું કે ‘મનજોત જ અમારી એક આશા હતો. હું મજૂરી કરું છું અને મારી પાસે જમીન પણ નથી. મેં બે લાખ રૂપિયા લોન લઈને મનજોતને દુબઈ મોકલાવ્યો હતો. અમારી પાસે હવે કાંઈ નથી બચ્યું.’