ગોધરા, ગરીબોના હકનું સરકારી અનાજ સગેવગે કરનાર પંચમહાલ જીલ્લાના કેટલાક કૌભાંડી દુકાન સંચાલકો સામે પુરવઠા તંત્રએ સકંજો બોલાવતા હવે અવનવી યુક્તિ પ્રવૃત્તિઓથી ચોરી છુપી પડોશી જીલ્લામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી વેપલો કરવા અનાજ માફીયાઓ સક્રિય બન્યા છે ત્યારે સતર્ક પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીની ટીમે ગત રાત્રીએ વડોદરા જીલ્લાના વાઘોડિયા પાલડી સ્થિત જી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચીને ઓચિંતો છાપો મારીને શંકાસ્પદ અનાજ જથ્થાની તપાસ હાથ ધરવામાં આવતા બે નંબરીયા દુકાનદારો અને મિલ માલિકોમા ફફડાટ સાથે દોડધામ મચી ગઈ હતી.દરોડામા પ્રાથમિક ચકાસણીમા 1261 કિવલ્ટન જથ્થો ઘટ હોવાનું બહાર આવતાંની સાથે પાડેલા દરોડાના પગલે ઊંઘતું ઝડપાયેલ સ્થાનિક પુરવઠા તંત્ર પણ સ્થળ ઉપર દોડી આવ્યું તથા સરકારી અનાજના કાળાબજાર થતાં હોવાને લઇને ગંભીરતાપૂર્વક રાત્રિએ જ ગાંધીનગર ટીમે દોડી આવી આ કૌભાંડ પ્રકરણ હાથમાં લઈ મેળાવણુ, નમૂના લઈ ક્યાંથી આવ્યો, કોણે જથ્થો મોકલ્યો અને કેટલો જથ્થો છે તેની તલસ્પર્શી તપાસ આદરવામાં આવતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો સાંપડ્યા છે…..પંચમહાલ જીલ્લામાં રહેતા અસંખ્ય ગરીબ પરિવારોને બે ટંકનું ભોજન મળી રહે તે હેતુથી સરકાર દ્વારા રાહતદરે અનાજ વિતરણ કરવામાં આવે છે તથા વિવિધ યોજના હેઠળ પણ મફત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા કેટલાક દુકાન સંચાલકો પોતે અનાજ માફીયાઓ બનીને સરકારી અનાજનો કાળા બજાર કરી હક લાભથી લાભાર્થીઓને વંચિત બનાવી રહ્યા છે. અવારનવાર ઉગ્ર રજૂઆત કરવા છતાં જવાબદારો દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા કાળા બજારીઓ બેફામ બન્યા હતા, પરંતુ જ્યારથી જીલ્લા પુરવઠા અધિકારી તરીકે હરેશ મકવાણાએ ચાર્જ લેતાની સાથે ખૂબ કાબેલિયતથી છેલ્લા ચાર માસથી રાત દિવસ જોયા વગર સમગ્ર વિસ્તારોમાં ફરી ફરીને લાભાર્થીઓને લાભ પુરતા પ્રમાણમાં મળી રહે તેવા અથાગ પ્રયત્નો વચ્ચે દુકાનોમાં આકસ્મિક દરોડો , દુકાન સીલ કરવી, દંડનીય રકમ જેવી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાના પગલે સંચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. તંત્રના આવા આકરાં કડક પ્રયત્નો વચ્ચે પણ હજુય કેટલાક કાળા બજારીયાની ટેવ ન ભૂલનાર સંચાલકો હવે નવો માર્ગ અપનાવીને સ્થાનિક બજારો કે મિલોમાં સરકારી અનાજ પધરાવી દેવાના બદલે પડોશી જીલ્લામાં પગ પેસારો કરીને યથાત્વ રીતે પોતાનો અનાજના કાળા બજારનો ધંધો ધમધોકાર કરવાની યુક્તિ અજમાવી રહ્યા છે અને ગરીબોની જઠરાગ્નિની ઠારવાના બદલે પોતેજ સરકારી અનાજ ઓહિયા કરીને બે નંબરી નાણા કમાવાનો કિમીયો અજમાવાઈ રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના જ ચોક્કસ દુકાન સંચાલકોની ગેંગ જ પડોશી જીલ્લામાં સક્રિય બની છે. તેના ભાગરૂપે મળેલી બાતમીના આધારે અન્ય કામો પડતા મૂકીને જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને હાલોલ મામલતદારની ટીમે પૂરપાટ ઝડપે પહોંચી પડોશી જીલ્લા વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ પાલડી ગામ સ્થિત જી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ગત રાત્રીએ જ અચાનક દરોડો પાડવામાં આવતા મિલ સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી અને અનાજ માફીયાઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.અહીં મિલમાં મુકાયેલા શંકાસ્પદ સરકારી અનાજના જથ્થા અને વેચાણ તથા હિસાબ કિતાબ તથા નમૂના લેવામાં આવતા મેળાવણુ કરતાં પ્રાથમિક ચકાસણીમા ગણતરી બાદ 1261 ક્લિન્ટનની ઘટ વર્તાતા તપાસ ટીમ ચોંકી ઉઠી હતી તો બીજી તરફ પડોશી જીલ્લા પંચમહાલ પુરવઠા અધિકારીએ પાડેલા છાપાના કારણે સ્થાનિક વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું અને આ તપાસ અંગેની જાણ કરવામાં આવતા સ્થાનિક વડોદરા તંત્ર પણ હાંફતુ ફાંકતુ સ્થળે આવી પહોંચ્યું હતું. સાથે સાથે શંકાસ્પદ અનાજની કાળા બજારમાં અને મિલોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે બે રોકટોક હેરાફેરી પડોશી જીલ્લામાં થતી હોવાની ગંભીરતા પૂર્વક સમજીને ગાંધીનગર તંત્રની ટીમ રાત્રિના સમયે જ સ્થળ ઉપર દોડી આવીને સમગ્ર અનાજ કૌભાંડની તપાસમાં જોતરાયું હતું અને આ આ જથ્થો કોનો છે ક્યાંથી આવ્યો છે. કેટલો છે વગેરેની તલસ્પર્શતી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરી તપાસ બાદ જો કસુરવાર નિવડે તો ફોજદારી કેસ દાખલ કરીને શિક્ષાત્મક કાર્યવાહી માટે તંત્ર સજજ બન્યું છે. આમ, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાની સતર્કતા અને પ્રામાણિકતાના કારણે જીલ્લાની સરહદ વટાવીને પંચમહાલ જીલ્લામાં ફાળવણી કરવામાં આવતા સરકારી અનાજનો મસમોટો જથ્થો ગેરકાયદેસર વડોદરા જીલ્લામાં પહોંચાડીને વેપલો થકી રોકડી કરી લેવાતો હોવાના વધુ એક સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળતા રાજ્ય સરકારે તેઓની કામગીરી બિરદાવાતા અન્ય દુકાનદારો તથા મિલ માલિકોમાં ફફડાટની લાગણી છે.