ડ્રગ્સ, ગાંજો અને દારૂની પાર્ટીમાં CID ત્રાટક્યું : સુરતમાં મગદલ્લા વિસ્તારમાં ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14ની ધરપકડ

સુરતના મગદલા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં CID ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમી આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામના મેડિલક ટેસ્ટ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના મગદલ્લા ગામમાં આવેલા મહોલાના એક મકાનમાં રાત્રે સ્પા ગર્લ અને ડ્રગ્સ સાથે પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી સીઆઈડી ક્રાઈમની ટીમે મકાનમાં રેડ કરી હતી. આ દરમિયાન ડ્રગ્સ, ગાંજો અને દારૂની સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સ્પામાં કામ કરતી ગર્લ સહિત નવ મહિલા ઝડપાઈ હતી. આ સાથે જ પાંચ જેટલા યુવાનો પણ મળી આવ્યા હતા. આ તમામની અટકાયત કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ તમામ 14 આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. જોકે, આગળ કાર્યવાહીમાં જે સામે આવશે તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે.

​​​​​​​સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને ડ્રગ્સની બાતમી મળી હતી. જે આધારે રેડ પાડવામાં આવતા ચાલતી પાર્ટી પણ મળી આવી હતી.

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે. અંકલેશ્વર GIDCમાંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

જો કે આ ડ્રગ્સ ઝડપાવાની લિંક સુરતના વેલંજામાંથી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુલંજામાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓએ આ જથ્થો અંકલેશ્વરથી લઈને આવ્યા હતા. જેથી તપાસમાં અંકલેશ્વર લિંક બહાર આવતા પોલીસ ત્યાં પણ તપાસ કરી હતી. આમ અંકલેશ્વરમાં તપાસ કરતા અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું