નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી), ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત આતંકવાદ નિરોધક ટીમના સંયુક્ત અભિયાન અંતર્ગત ગુજરાતના પોરબંદર તટેથી લગભગ ૪૮૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની તસ્કરોને ઝડપી લેવા એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં નશીલા પદાર્થોની તસ્કરીના કિસ્સા જે રીતે વારંવાર સામે આવી રહ્યા છે, તે બેહદ ચિંતાજનક પણ છે.
હાલમાં જ ગયા મહિને ગુજરાત તટ પાસે એક ઇરાની જહાજ પરથી લગભગ ૩૩૦૦ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ કોઈ એકલદોકલ ઘટનાઓ નથી. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૫,૯૫૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે, જેની પુષ્ટિ ખુદ ગુજરાત સરકારે કરી છે. જો હજુ પાછળ જઈએ તો ૨૦૨૧માં એનઆઇએએ મુંદ્રા બંદર પરથી લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તે ઉપરાંત, હાલમાં જ એનસીબી દ્વારા બે હજાર કરોડ રૂપિયાથી વધુના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી મામલે તમિલ ફિલ્મ નિર્માતા અને તમિલનાડુમાં સત્તારૂઢ દ્રમુકના પૂર્વ પદાધિકારી જફર સાદિકની ધરપકડથી ડ્રગ્સ, રાજકારણ અને ફિલ્મી દુનિયાના કથિત અપરાધિક ગઠબંધનનો અંદેશો વધતો જાય છે.
એનસીબીની તપાસથી ખબર પડે છે કે આ મામલો કેટલો મોટો છે, કારણ કે તેના તાર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા સુધી ફેલાયેલા છે. આ તમામ ઘટનાઓ અસલમાં નશીલા પદાર્થોના કારોબારની ઊંડે સુધી પહોંચેલા મૂળ અને તેને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાતને જ દર્શાવે છે. ડ્રગ્સ અને આતંકવાદના મુદ્દા ક્યાંકને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોય છે. નશીલા પદાર્થોની તસ્કરીના તાર પણ જે રીતે પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાન સાથે જોડાઈ રહ્યા છે અને આ દેશોના કેટલાય તસ્કરોને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે, એ વધુ ગંભીર થઈ જાય છે.
દેશની સૌથી લાંબી તટરેખાવાળા ગુજરાતમાં માછીમારોનું નેટવર્ક કે પછી નૌકાદળ અને તટરક્ષક દળો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલ રેડિયો તરંગો જ માહિતીનો સ્ત્રોત છે, જેમાં દરેક વખતે એકદમ સચોટ માહિતી નથી મળી શક્તી. તેમ છતાં જો છેલ્લા કેટલાક સમયમાં તસ્કરીના ષડયંત્રોને નિષ્ફળ બનાવી શકાયા છે, તો તેનું શ્રેય ભારતીય એજન્સીઓની ચુસ્તતાને જ આપવું જોઇએ. પરંતુ વડાપ્રધાન મોદીના નશામુક્ત ભારતના વિઝનને પૂરું કરવા માટે નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ આંતરરાષ્ટ્રીય ટોળકી પર જલ્દી સકંજો ક્સવાની જરૂર છે.