- ગૃહ મંત્રાલય, તમામ સંબંધિત સંસ્થાઓ અને રાજ્ય સરકારોની મદદથી ડ્રગ મુક્ત ભારત માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે મોદી સરકાર ભારતમાંથી ડ્રગ્સને જડમૂળથી ઉખાડી દેશે અને દેશમાં ડ્રગ્સની દાણચોરીને મંજૂરી નહીં આપે. માદક દ્રવ્યોના દુરુપયોગ સામેના આંતરરાષ્ટ્રીય દિવસ પર એક વિડિયો સંદેશમાં, તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે માદક દ્રવ્યો સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને તેના પરિણામો દેખાવા લાગ્યા છે.
શાહે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે ભારતમાં કોઈપણ પ્રકારના ડ્રગ્સનો વેપાર થવા દઈશું નહીં અને ભારતમાંથી કોઈ પણ પ્રકારના ડ્રગ્સની દાણચોરીને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે આપણા બધાના પ્રયાસોથી આપણે ડ્રગ્સના જોખમને જડમૂળથી ઉખેડી નાખીશું અને નશામુક્ત ભારતનું અમારું લક્ષ્ય હાંસલ કરી શકીશું.
ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી નાર્કોટિક્સ સામેની આ લડાઈ જીતી ન જાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. તેમણે કહ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ ચાલુ છે. આ અંતર્ગત લેવાયેલી કાર્યવાહીનું પરિણામ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ૨૦૧૪ થી ૨૦૨૨ ની વચ્ચે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ૨૦૦૬ અને ૨૦૧૩ વચ્ચે જપ્ત કરાયેલા ૭૬૮ કરોડ રૂપિયાના ડ્રગ્સ કરતાં ૩૦ ગણું વધુ છે.
તેમણે કહ્યું કે ડ્રગ પેડલર્સ સામેના કેસમાં ૧૮૧ ટકાનો વધારો થયો છે. ૨૦૦૬ થી ૨૦૧૩ ની વચ્ચે ૧,૨૫૭ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૧૪ થી ૨૦૨૨ ની વચ્ચે ૩,૫૪૪ દાણચોરો ઝડપાયા હતા. વધુમાં તેમણે કહ્યું કે જૂન ૨૦૨૨થી દેશમાં છ લાખ કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ મુક્ત ભારત માટે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના વેપાર સામેની સફળતા મુખ્યત્વે મોદી સરકારના વિઝનને કારણે પ્રાપ્ત થઈ છે, જે અંતર્ગત સરકારની વિવિધ શાખાઓના ગાઢ સંકલન સાથે નીતિઓ ઘડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તમામ મોટા સંગઠનો, ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, નાર્કોટિક્સ સામે તેમની લડાઈ ચાલુ રાખી રહ્યા છે. શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય, તમામ સંબંધિત સંસ્થાઓ અને રાજ્ય સરકારોની મદદથી ડ્રગ મુક્ત ભારત માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. જો કે, નાર્કોટિક્સ સામેનું આ યુદ્ધ લોકોની ભાગીદારી વિના જીતી શકાય નહીં.
શાહે કહ્યું કે આ ઝુંબેશને મજબૂત કરવા માટે, મંત્રાલયે ૨૦૧૯ માં નેશનલ નાર્કોટિક્સ કોઓડનેશન પોર્ટલની સ્થાપના કરી અને દરેક રાજ્ય પોલીસ વિભાગમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરી. તે જ સમયે, મંત્રીએ દેશના તમામ લોકોને ડ્રગ્સથી દૂર રહેવા અને તેમના પરિવારને પણ દૂર રાખવાની અપીલ કરી.