ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં તે ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને એપી સેન્ટર બન્યું હોય ત્યારે પૂરતી સંખ્યામાં પોલીસો ન હોય તો ડ્રગ્સ ગલી મહોલ્લામાં જ પહોંચશે. પોલીસ મોટા જથ્થામાં ડ્રગ્સ કબજે કરે છે, છતાં ડ્રગ્સને રવાડે યુવકો ચડયા છે તેની નોંધ લેવી ઘટે. આમ તો દારૃબંધી નામની રહી છે, એમ જ ભવિષ્યે ડ્રગ્સબંધી પણ નામની જ રહે તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દારૃ-ડ્રગ્સ સામે લડત તો આપે છે, પણ તેય નામની જ હોય એવું એટલે લાગે છે, કારણ સરકારે દારૃ-ડ્રગ્સ સામે લડત આપતી અસંખ્ય સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી રહી છે. યોગ દિવસ આવે છે તો એ દિવસે યોગ, રોગની જેમ ફાટી નીકળે છે, એ હિસાબે ડ્રગ્સ વિરોધી દિવસ, ડ્રગ્સનું સેવન કરીને ઉજવવાનો હોય તેમ ડ્રગ્સ પકડાય છે. તા. ૨૬ જૂન ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે ને એ દિવસે જ ક્યાંક ર્ડ્ગ્સથી ઉજવણું થતું હોય તેમ એ જ દિવસે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના એક રહીશ પાસેથી ચરસના ૪૨ કિલોના ૨૧.૦૬ કરોડની કિંમતનાં ૪૦ પેકેટ્સ પોલીસે કબજે કર્યાં.
બીજી તરફ ડ્રગ્સ ઉતારુઓને ગુજરાતનો દરિયા કિનારો માફક આવી ગયો છે ને છાશવારે કરોડોનું હજારો કિલો ડ્રગ્સ ઊતરી રહ્યું છે તે શરમજનક છે. સરકાર ડ્રગ્સ પકડાયાનો હરખ તો કરે છે, પણ દરિયા કિનારે ઊતરતાં ડ્રગ્સનો પ્રવાહ રોક્યો રોકાતો નથી ને લગભગ રોજ જુદા જુદા દરિયા કિનારાઓ પર ડ્રગ્સ ઊતરે છે ને કેટલુંક તો નધણિયાતુંય મળી આવે છે. પોલીસ તે પકડે તો છે, પણ ન પકડાયેલું રાજ્યની ગલીઓમાં ઘૂસ્યું છે ને ગુજરાતનું યુવાધન તેમાં સપડાઈ રહ્યું છે એની ચિંતા કરવાની વધુ જરૃર ઉભી થઈ છે.
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાત રાજ્યમાં ૯૩૬૯૧ કિલો ડ્રગ્સ, ૨૨૨૯ લિટર પ્રવાહી ડ્રગ્સ ને ૭૩૧૬૩ ડ્રગ્સ પિલ્સ ને ઇન્જેક્શન્સ પકડાયાં છે. છેલ્લા ૬ મહિનામાં જ ચારેક હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ પોલીસને હાથ લાગ્યું છે. વર્ષ ૨૦૧૮ના એક રાષ્ટ્રીય સર્વે મુજબ ગુજરાતનાં ૧૭.૩૫ લાખ પુરુષો અને ૧.૮૫ લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. આ આંકડાઓ છેલ્લાં છ વર્ષમાં વયા જ હશે. રાજ્યમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ જેવી સંસ્થાઓ, પેટ્રોલિંગ, સર્વેલન્સ, સીસીટીવી કેમેરાઓ જેવી ટેકનોલોજી છતાં કરોડો રૃપિયાનું હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે તે યુવા પેઢીનો કેવો વિનાશ કરશે તેની કલ્પના જ કરવાની રહે છે.
ડ્રગ્સનાં સેવન બદલ ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાં ૫૦૦થી વધુ લોકોની ધરપકડ થઈ છે. આ બધું છતાં ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નોમાં બ્રેક લાગતી નથી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં સ્નિફર ડોગની મદદથી તપાસ કરતાં ૩.૪૮ કરોડનો ગાંજો પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલો ગંભીરતાથી લીધો છે ને નશાને રવાડે ચડેલા દોઢસો તરુણોનું કાઉન્સેલિંગ કરી આ દૂષણથી દૂર રહેવા સમજાવ્યા છે, માલેતુજારોના આ નમૂનાઓમાંના કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા છે. આ તપાસે એ જાહેર કરી દીધું છે કે ગાંજાની લતમાં સગીરો સપડાયા છે અને સૌથી આઘાતજનક કોઈ વાત હોય તો એ છે.