ડ્રગ્સ કેસ: એક અભિનેતાનું નામ પૂછપરછ દરમિયાન સામે આવ્યું, જાણો NCBએ શું કહ્યું

મુંબઈ : બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનને લઇ એનસીબીની તપાસ ચાલી રહી છે. હવે એનસીબી આ કેસમાં એક અભિનેતાની શોધમાં છે. અર્જુન રામપાલની લીવ – ઇન પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રીએડ્સના ભાઈ એગિસિલાઓઝ અને ડિરેક્ટર સાહિલ કોહલીની પૂછપરછ દરમિયાન અભિનેતાનું નામ બહાર આવ્યું છે. હવે આ એક્ટરને પકડવા એનસીબીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

એનસીબીએ ડ્રગ કનેક્શન માટે અભિનેતાની શોધ શરુ કરી

અભિનેતા ડ્રગ્સ લેવા અને વેચવા માટે એનસીબીના રડાર પર છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતાને એજન્સી દ્વારા સમન અપાયું છે. હજી સુધી એનસીબીએ તે એક્ટરની ઓળખ જાહેર કરી નથી. એનસીબીના અધિકારીઓ મુંબઇના રહેણાંક વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ હેઠળ એનસીબી તેની તપાસ કરી રહી છે. આ કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

એનસીબીએ ડ્રગ્સના જોડાણ મામલે અર્જુન રામપાલની લીવ – ઇન પાર્ટનર ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સના ભાઈ અગિસિલાઓસની પણ ધરપકડ કરી છે. અગિસિલાઓસ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અગિસિલાઓસની પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે ઘણા ડ્રગના વેપારીઓ સાથે જોડાણ ધરાવે છે. એનસીબીને શંકા છે કે અગિસિલાઓસ ડ્રગ્સ ચેન ચલાવતો હતો. જે અંતર્ગત દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં કાર્યરત લોકોને સિન્થેટીક દવાઓ નિકાસ કરવામાં આવી હતી.

એગિસિલોસ ડીમેટ્રિએડ્સ આફ્રિકન વંશની છે. એનસીબીના અધિકારીઓએ તેની પાસેથી હશિશ અને અલ્પ્પ્રાઝોલમની ટેબ્લેટ્સ મળી હતી. તાજેતરમાં જ મુંબઈ એનસીબીની ટીમે ડ્રગ કનેક્શન અંગે કેટલાક ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડક્શન હાઉસના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું. આ અગાઉ એનસીબીએ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ ઉપર પણ ગાળિયો કસાયો હતો. એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહને ડ્રગ્સના મામલે પૂછપરછ કરી છે.