ડ્રોન કેમેરાથી તસ્કરો ઝડપાયા:ઝાલોદના વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી ચોરી કરનાર તસ્કરોને 61,500નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના કેસમાં દાહોદ એલસીબી પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ઉપરાંત શિવલિંગ પરનું ચાંદીનું કોટિંગ અને ભગવાનના આભૂષણો મળી કુલ રૂ. 61,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. વહેલી સવારે મંદિરના દરવાજાની તૂટેલી હાલત જોઈને સ્થાનિક લોકોએ લીમડી પોલીસને જાણ કરી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. એલસીબી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની આ કામગીરીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને દાહોદના એસપી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. આ ઘટના ગુજરાત પોલીસના હાઈટેક બનવાની દિશામાં એક મહત્વનું ઉદાહરણ બની રહી છે.