ડૉક્ટર અતુલ ચગના આપઘાતથી પરિવારજનો ઘેરા શોકમાં, ક્સુરવારો સામે પગલા ભરવા માંગ કરી

  • સુસાઇડ નોટમાં જેમના નામ છે તેમની ધરપકડ ન કરાતા રોષ ઠાલવ્યો.

ગીરસોમનાથ,

ગીર સોમનાથના વેરાવળના નામાંક્તિ તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. તેમની સ્મશાન યાત્રા સમયે પરિવારજનો હિબકે ચડ્યા હતા. પરિવારની મહિલાઓમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. વેરાવળ સહિત જિલ્લાના તબીબો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. ત્યારે આપઘાત મામલે અતુલ ચુગની ભત્રીજીએ અનેક સવાલો ઉઠાવ્યા છે. સુસાઇડ નોટમાં જેમના નામ છે તેમની ધરપકડ ન કરાતા રોષ ઠાલવ્યો છે. ભારે આક્રંદ સાથે અતુલ ચુગની ભત્રીજીએ ન્યાયની માગણી કરી છે.

ગીર સોમનાથના વેરાવળના નામાંક્તિ તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચ્યો છે. પોલીસે તબીબે લખેલી સુસાઈડ નોટના આધારે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. તબીબે પોતાની જ હોસ્પિટલમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આપઘાત પૂર્વે તેમણે એક ચીઠ્ઠી લખી હતી. જેમાં બે નામ લખ્યાં હતા. આ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરુ છું. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. જો કે સમગ્ર પંથકમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોઈ મોટી નાણાકિય લેવડ દેવડના કારણે ચિંતામાં હોવાથી તેમણે આ પગલુ ભર્યું હોઈ શકે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ ઘટનામાં મોટા રાજકીય નેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે. જો કે સાચી હકીક્ત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. તબીબ પત્નીથી અલગ એકલવાયું જીવન જીવતા હતા.

અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે ડોક્ટર ચગે આપઘાત કેમ કર્યો. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના હાથે એક સુસાઇડ નોટ લાગી છે. ડોક્ટર ચગે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં જે બંને લોકોના નામે છે તેને લઇને હાલ ભારે સસ્પેન્શ સર્જાયું છે. આ સુસાઇડ નોટમાં નારણભાઇ અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. મહત્વપૂર્ણ છે કે ડોક્ટર ચગને ઉદ્યોગકારો સહિત રાજકીય હસ્તીઓ સાથે ધરોબો હતો. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડોક્ટર અતુલ ચગે આર્થિક કારણોસર આપઘાત કર્યો હોઇ શકે છે. ત્યારે પોલીસે હાલ આશંકાની થીયરી પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડોક્ટર અતુલ ચગની વાત કરીએ તો ચગ સૌરાષ્ટ્રના નામાંક્તિ અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતા. કહેવાય છે કે ગરીબો માટે ચગ ભગવાન સમાન હતા. કોરોનાકાળમાં ચગે હજારો દર્દીઓની નિ:શુલ્કમાં સારવાર કરીને પોતાનો માનવધર્મ નિભાવ્યો હતો. સુખી સંપન્ન પરિવારના હોવાછતાં ચગ જમીન સાથે જોડાયેલા હતા. સરળ અને શાંત સ્વભાવના કારણે તેઓ ગીરપંથકમાં લોકપ્રિય પણ હતા. સ્વભાવે શાંત અને હંમેશા અન્યોની મદદ માટે તત્પર રહેતા ચગે આપઘાત કેમ કર્યો તે સવાલ હાલ પોલીસ તપાસનો વિષય બન્યો છે.

વિશ્ર્વાસપાત્ર સૂત્રોની માનીએ તો ડોક્ટર ચગના આપઘાત બાદ ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો આવી શકે છે. સાથે જ પોલીસ તપાસમાં પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે ડોક્ટર અતુલ ચગે આપઘાત કેમ કર્યો. શું તેમના આપઘાત પાછળ કોઇ આર્થિક વ્યવહારો જવાબદાર છે. શું ખરેખર અતુલ ચગે આપઘાત કર્યો છે કે પછી અન્ય કારણ જવાબદાર છે ?