
- આ મામલાને અગાઉ પણ ૪ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેને પ્રાથમિક સુનાવણી અને નોટિસ માટે લેવામાં આવ્યો નથી.
નવીદિલ્હી,
બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ૧૧ દોષિતોની સમય પહેલા મુક્તિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને પડકારતી અરજીઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર વિશેષ બેંચની રચના કરવા સંમતિ આપી છે. ગયા મહિને પણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે તેઓ આ મામલાને હાથ ધરવા માટે વિશેષ બેંચની રચના કરશે. દરમિયાન, હવે કોર્ટ અરજીઓની સુનાવણી માટે નવી બેન્ચ બનાવવા માટે સંમત થઈ છે.
બિલ્કીસ બાનોના વકીલ શોભા ગુપ્તાએ દાવો કર્યો છે કે આ મામલાને અગાઉ પણ ૪ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેને પ્રાથમિક સુનાવણી અને નોટિસ માટે લેવામાં આવ્યો નથી. આ બાબતનો ઉલ્લેખ સૌપ્રથમવાર ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને ન્યાયમૂત અજય રસ્તોગી અને બેલા એન ત્રિવેદીની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. જો કે જસ્ટિસ ત્રિવેદીએ આ મામલાની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા હતા.ત્યારબાદ આ બાબતનો ઉલ્લેખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યો હતો અને તે આ વર્ષે ૨ જાન્યુઆરીએ કામચલાઉ રીતે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ૨૦ જાન્યુઆરીના રોજ ગુપ્તાએ ફરીથી આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ૨૪ જાન્યુઆરી અને ૩૧ જાન્યુઆરીએ બંધારણીય બેન્ચની બેઠકોને કારણે તેની સુનાવણી થઈ શકી ન હતી. આખરે ૭ ફેબ્રુઆરીના રોજ, CJI અરજીઓની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવા સંમત થયા હતા.
હકીક્તમાં, રાજ્ય સરકારે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ તમામ ૧૧ દોષિતોને મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા ગુનેગારોના ભવ્ય સ્વાગતના વિઝ્યુઅલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેનાથી કેટલાક વર્ગોમાંથી આક્રોશ ફેલાયો હતો. આ પૃષ્ઠભૂમિમાં દોષિતોને આપવામાં આવેલી રાહત પર સવાલ ઉઠાવતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બિલ્ક્સિે દોષિતોની સમય પહેલા મુક્તિને પણ પડકારી હતી. ગુજરાત સરકારે એક એફિડેવિટમાં કોર્ટને જણાવ્યું કે દોષિતોના સારા વર્તન અને તેમની સજાના ૧૪ વર્ષ પૂરા થવાને યાનમાં રાખીને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીક્તમાં, ૨૦૦૨ના ગોધરા કાંડ દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના દોષિતોને ગયા વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ જેલમાંથી સમય પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટે બિલક્સિ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને પણ ફગાવી દીધી હતી. બિલ્ક્સિે ૨૦૦૨માં તેની સાથે ગેંગરેપના ૧૧ દોષિતોને મુક્ત કરવા પર પુનવચાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી પર ફરીથી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, નવી બેંચની રચનાનો આ નિર્ણય ન્યાયની નવી આશા બની શકે છે, તેની સાથે ગુનેગારોની મુશ્કેલીઓમાં વધારો થવાની આશંકા છે.