ડોનાલ્ડ ટ્રમ્પ જતા-જતા ચીનને હેરાન કરવાના મૂડમાં, જુઓ હવે શું નિર્ણય લીધો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલયના અંતિમ દિવસોમાં પણ ચીનને લઈને સખ્ત કાયદા બનાવી રહ્યો છે. ટ્રેમ્પે ચીની કંપનીઓને અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાંથી બહાર કાઢવાના કાયદા પર સહી કરી દીધી છે. આ કાયદો ચીની કંપનીઓને સ્ટોક એક્સચેન્જની બહાર કાઢવાની શક્તિ આપે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધ હોલ્ડિંગ ફોરેન કંપની અકાઉન્ટેબલ એક્ટ કાયદા પર પોતાની મહોર લગાવી દીધી છે. આ કાયદા પ્રમાણે જે કંપનીઓ સતત ત્રણ વર્ષ સુધી અમેરિકન પબ્લિક અકાઉન્ટીંગ ઓવરસાઈટ બોર્ડના ઓડિટના નિયમોનું પાલન કરતી નહીં હોય, તે કંપનીઓ અમેરિકાના કોઈ પણ એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકશે નહીં.

જોકે, આ કાયદો કોઈ પણ દેશની કંપનીઓ પર લાગુ થાય છે. પરંતુ તેનો હેતુ અમેરિકામાં લિસ્ટેડ અલી બાબા, ટેકફોર્મ Pinduoduo Inc અને દિગ્ગજ ઓઈલ કંપની પેટ્રોચાઈનાને બહાર કાઢવાનો છે. ચીની કંપનીઓને રોકનારો આ કાયદો આ વર્ષે અમેરિકન કોંગ્રેસમાં ઘણા મોટા બહુમત સાથે પસાર થયો હતો. વિપક્ષી ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પાર્ટીઓના સાંસદોએ ચીન વિરોધી આ કાયદાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું.

તેના પછીથી જ ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. નવા કાયદા હેઠળ પબ્લિક કંપનીઓએ તેમની માલિકીપણાનો ખુલાસો કરવો પડશે. આ પહેલા ટ્રમ્પ સરકાર ચીનની ડઝનોથી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટડે કરી ચૂકી છે. તેમાં ચિપમેકર SMIC અને ચીની ડ્રોન નિર્માતા SZ DJI ટેકનોલોજી કંપની લિમિટેડ જેવી જાણીતી ચીની કંપનીઓ પણ સામેલ છે. આ પગલાને વેપાર અને ઘણા આર્થિક મુદ્દાઓ પર વોશિંગ્ટન અને બેજિંગ વચ્ચે ચાલી રહેલી લાંબી લડાઈમાં પોતાની ઈમેજને ચમકાવવા માટે રિપબ્લિકન ટ્રમ્પના નવા પ્રયાસોના રૂપમાં જોવામાં આવે છે.

અમેરિકાના નાણાંકીય વિભાગે કહ્યું છે કે SMIC વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે બેજિંગ સૈન્ય યોજના માટે નાગરિક ટેક્નોલોજીનો ગેરઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી ઉદ્દભવી રહેલી ચિંતાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. વોશિંગ્ટન અને બેજિંગ વચ્ચેના સંબંધો છેલ્લા એક વર્ષમાં ઘણા બગડી ગયા છે. દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓમાં કોરોના વાયરસ મહામારીનો પ્રસાર, સાઉથ ચાઈના સીમાં મિલિટરી બેઝનું નિર્માણ અને હોંગકોંગમાં માનવાધિકારનું ઉલ્લંઘનને લઈને એકબીજા સાથે જંગ છેડીને બેઠા છે.