ડોકી-ખરોડ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટનાં ટ્રાફિક નિયમન માટે આદેશો

દાહોદ,

દાહોદ જિલ્લાના ડોકી-ખરોડ ખાતે વડાપ્રધાનના આવતીકાલ તા. 23 નવેમ્બરના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા થકી ટ્રાફિક નિયમન માટે આ મુજબનો આદેશ કર્યો છે.

તદ્દનુસાર તા. 23 નવેમ્બરે સવારના 6 થી સાંજના 8 વાગ્યા સુધી આ મુજબનું ટ્રાફિક નિયમન રહેશે. ઇન્દોર થી અમદાવાદ જતા હાઇવે ઉપર બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા બોર્ડથી આગળ સતી તોરલથી જમણી બાજુ જતા ઝાલોદ બાંસવાડા હાઇવેને કાર્યક્રમમાં ભાગ લેવા જનારા વાહનો સિવાયના તમામ વાહનોના ઉપયોગ માટે પ્રતિબંધિત રહેશે.

ઝાલોદથી દાહોદ, ગોધરા, ઇન્દોર તરફ કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા વાહનો સિવાયના તમામ વાહનોએ લીમડીથી લીમખેડા થઇને ગોધરા-ઇન્દોર હાઇવે (એન.એચ. 47)ને મળતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઇન્દોર થી લીમડી, ઝાલોદ, બાંસવાડા (રાજસ્થાન) તરફ જતા આમ જનતાના વાહનોએ ઇન્દોર ગોધરા હાઇવે (એન.એચ. 47) થી લીમખેડા જઇ લીમખેડાથી લીમડીવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

દાહોદ, ધાનપુર, ગરબાડા, દેવગઢ બારીયા, સીંગવડ, લીમખેડા તાલુકા તરફથી સભાસ્થળે કાર્યક્રમમાં ભાગ લેવા આવતા વાહનો માટે સતી તોરલ હોટલ, કાળી તળાઇ ડોકી સબ જેલ સુધીનો રસ્તો વન-વે રહેશે. અને આ વાહનોના વાહન ચાલકોએ 40 કિમી પ્રતિ કલાકની ગતિમર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે.

ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી તાલુકા તરફથી સભા સ્થળ તરફ આવનાર વાહનો માટે લીમડીથી ડોકી સબજેલ સુધીનો રસ્તો વન વે રહેશે અને આ વાહનોના વાહન ચાલકોએ 40 કિમી. પ્રતિ કલાકની ગતિમર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે.

ચોસાલા ત્રણ રસ્તાથી ઉકરડી, સાંકરદા, કાળી ગામ થઇને ડોકી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે.

દાહોદ ટાઉનથી સભા સ્થળ પર જવા વાળા વાહનોએ ગોધરા રોડ રાબડાળ સતી તોરલ થઇને સભા સ્થળ પર જવાનું રહેશે.

ડોકી સબજેલની દક્ષિણ દિશા બાજુ થઇને પટેલ ફળીયા, ડોકી ગામ તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધ રહેશે.

ડોકી સબજેલની સામે રેંટીયા ગામ તરફ જતા બન્ને રસ્તાને વન-વે જાહેર કરી આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંઘ રહેશે.

જિલ્લા સેવા સદનની સામે બોરવાણી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંઘ રહેશે.

આ જાહેરનામા માંથી આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનો, ગર્ભવતી મહિલા કે ગંભીર બિમાર વ્યક્તિઓને લઇ જતા વાહનો કે ચૂંટણી ફરજમાં સંકળાયેલા અધિકારી-કર્મચારીઓના વાહનોને લાગુ થશે નહી. તેમજ અભ્યાસ કે પરીક્ષા અર્થે જતા વિદ્યાર્થીઓને આદેશમાંથી મુક્તિ અપાઇ છે.