ડોકલામ વિવાદ પર ભૂટાને પલટી મારી : ડોકલામ ભારત, ચીન અને ભૂટાન વચ્ચે એક જંકશન પોઈન્ટ છે.

નવીદિલ્હી,ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ’ડોકલામ વિવાદના સમાધાનમાં ભારત અને ભૂટાનની જેમ ચીનની પણ ભૂમિકા છે.’ ભારત તરફથી જો કે હજુ સુધી ભૂટાનની આ ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. બેલ્જિયમના એક દૈનિકે શેરિંગના હવાલે કહ્યું કે ડોકલામ ભારત, ચીન અને ભૂટાન વચ્ચે એક જંકશન પોઈન્ટ છે. આ સમસ્યાને હલ કરવી એ એકલા ભૂટાન પર નિર્ભર નથી. તેમણે કહ્યું કે ’અમે ત્રણ છીએ. કોઈ મોટો કે નાનો દેશ નથી. ત્રણેય સમાન દેશ છે. પ્રત્યેક એક તૃતિયાંશ માટે ગણાય છે.’ શેરિંગે વધુમાં કહ્યું કે ભૂટાન તૈયાર છે અને જેવા અન્ય બે પક્ષ તૈયાર થશે, ચર્ચા થઈ શકે છે. તેમણે એ વાતનો પણ ઈક્ધાર કર્યો કે ભૂટાનમાં ચીનીઓ દ્વારા ગામો કે વસ્તીઓ સ્વરૂપે કોઈ ઘૂસણખોરી કરવામાં આવી હતી. જે રીતે અગાઉ મીડિયાએ અહેવાલોમાં દર્શાવ્યું હતું.

ક્ષેત્રીય વિવાદનું સમાધાન શોધવામાં ચીનની ભાગીદારી પર ભૂટાની પીએમનું આ નિવેદન ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્ય છે. જે સંપૂર્ણ રીતે ડોકલામમાં ચીનના વિસ્તારનો વિરોધ કરે છે. કારણ કે આ પઠાર સંવેદનશીલ સિલિગુડી કોરિડોરની નજીક છે. સિલિગુડી કોરિડોર ભૂમિનો એ સાંકડો ભાગ છે જે ભારતના પૂર્વોત્તર રાજ્યોને દેશથી અલગ કરે છે.

ભૂટાનના પીએમનું આ નિવેદન ૨૦૧૯માં તેમના નિવેદનની બરાબર ઉલ્ટુ છે. જેમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ પક્ષે ત્રણ દેશોના હાલના ટ્રાઈજંકશન પોઈન્ટ પાસે એક્તરફી કશું કરવું જોઈએ નહીં. દાયકાઓથી આ ટ્રાઈજંકશન પોઈન્ટ દુનિયાના નક્શામાં બટાંગ લાના નામના સ્થળે સ્થિત છે. ચીનની ચુમ્બી ઘાટી બટાંગ લાની ઉત્તરમાં છે. ભૂટાન દક્ષિણમાં અને પૂર્વમાં તથા પશ્ર્ચિમમાં ભારત છે.

ચીન કહે છે કે ટ્રાઈજંકશનને બટાંગ લાથી લગભગ ૭ કિમી દક્ષિણમાં માઉન્ટ જિપમોચી નામની ચોટી પર ખસેડવામાં આવે. જો આમ થાય તો સમગ્ર ડોકલામ પઠાર કાયદાકીય રીતે ચીનનો ભાગ બની જાય. જે ભારતને સ્વીકાર્ય નથી.

૨૦૧૭માં ભારતીય અને ચીની સૈનિકો બે મહિનાથી વધુ સમય સુધી ચાલનારા તણાવપૂર્ણ ગતિરોધમાં સામેલ હતા. ત્યારે ભારતીય સૈનિકોએ ડોકલામ પઠારમાં ચીને એક રસ્તાનો વિસ્તાર કરતા રોકવા માટે પ્રવેશ કર્યો હતો. જે ગેરકાયદેસર રીતે માઉન્ટ ગિપમોચી અને એક નીકટની પહાડી ઝમ્ફેરી કહેવાય છે તે દિશામાં બની રહ્યો હતો. ભારતીય સેનાનો સ્પષ્ટ મત છે કે ચીની સેનાને ઝમ્ફેરી પર ચઢવા માટે મંજૂરી આપી શકાય નહીં. કારણ કે તેનાથી તેમને સિલિગુડી કોરિડોર માટે એક સ્પષ્ટ નિગરાણી કરવાની સુવિધા મળી જશે.