ડોક્ટરોએ મૃત જાહેર કરેલુ બાળક જીવિત નીકળ્યું, હોસ્પિટલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ

સિલચર, આસામના સિલચર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ડોકટરો દ્વારા મૃત જાહેર કરાયેલ નવજાત બાળક અંતિમ સંસ્કાર દરમિયાન જીવિત મળી આવ્યું હતું.

આ ઘટના મંગળવારે બની હતી, જ્યારે ગર્ભવતી મહિલાને સિલચરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોને તેની ડિલિવરી પ્રક્રિયામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ કહ્યું કે માતા અને બાળકમાંથી માત્ર એકને જ બચાવી શકાય છે. બાળકના પિતાએ જણાવ્યું કે ડોક્ટરોની સલાહ પર તેમણે ડિલિવરી માટે પરવાનગી આપી હતી. જો કે, થોડા સમય બાદ ડોક્ટરોએ તેને જણાવ્યું કે તેની પત્નીએ મૃત બાળકને જન્મ આપ્યો છે. બુધવારે સવારે તેઓને બાળકનો મૃતદેહ અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

બાળકના પિતાએ જણાવ્યું કે સિલચર પહોંચ્યા બાદ જ્યારે તેમણે મૃતદેહનું પેકેટ ખોલ્યું તો બાળક રડી રહ્યો હતો. આ ઘટના બાદ માલિનીબિલ વિસ્તારના રહીશોએ હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કરીને ડોક્ટરો સામે નારાજગી વ્યક્ત કરી હતી. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે હોસ્પિટલ સ્ટાફે બાળકને ઓળખ્યા વગર મૃત જાહેર કર્યો અને તેને કચરા જેવા પેકેટમાં રાખ્યો.

હોસ્પિટલે સ્પષ્ટતા કરી હતી કે બાળકને મૃત જાહેર કર્યા બાદ આઠ કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું હતું. એક કર્મચારીએ જણાવ્યું કે બાળકની વારંવાર તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બાળકોના પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ FIR દાખલ કરી છે.