
નવીદિલ્હી, આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને એમબીબીએસની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ૫૦ નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં ૩૦ સરકારી અને ૨૦ ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ ૨ હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં એમબીબીએસ બેઠકોની સંખ્યા ૧ લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી માન્ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં ૧૩ નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ-ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મયપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક-એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ કોલેજો ખુલતાની સાથે જ દેશમાં યુજી મેડિકલ કોર્સમાં એડમિશન માટેની સીટોની સંખ્યામાં વધારો થશે. ભારતમાં મેડિકલ સીટો ૧ લાખ ૭ હજાર ૬૫૮ હશે. ૮૧૯૫ બેઠકોનો વધારો થશે. હાલમાં ભારતમાં કુલ ૭૦૨ મેડિકલ કોલેજો છે. જણાવી દઈએ કે NMCએ આ વર્ષે ૪૦ કોલેજોની માન્યતા રદ કરી છે. નેશનલ મેડિકલ કમિશનનું યુજી બોર્ડ પાંચ વર્ષથી મેડિકલ કોલેજને માન્યતા આપી રહ્યું છે.મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોલેજો દેશમાં એમબીબીએસ ની ૬,૨૦૦ બેઠકો ઉમેરશે. જ્યારે કેટલીક કોલેજોને બેઠકો વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે. એકંદરે દેશમાં એમબીબીએસ બેઠકોમાં વાસ્તવિક વધારો ૮,૧૯૫ હશે. આ સાથે ભારતમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા ૭૦૨ થઈ ગઈ છે અને એમબીબીએસ સીટોની સંખ્યા ૧,૦૭,૬૫૮ થઈ ગઈ છે. દેશમાં ડોકટરોની વધતી માંગને પહોંચી વળવા સરકાર એમબીબીએસ સીટો વધારવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. ઉપરાંત આનાથી એ સુનિશ્ર્ચિત કરવામાં મદદ મળશે કે મેડિકલ એજ્યુકેશન માટે ઈચ્છુક બાળકોને વિદેશ જવું ન પડે.