ડૉક્ટર બનવાની હતી દીકરી: પણ પરિવારે જ કરી નાંખી હત્યા, મૃતદેહ સળગાવી ગટરમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારે ગામડાના છોકરા સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે પોતાની જ દીકરીની હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો છે.આ કેસમાં નાંદેડ પોલીસે હત્યારા માતા-પિતા, મામા અને બે ભાઈઓ સહિત ૫ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

મળતી માહિતી મુજબ નાંદેડ જિલ્લાની લિંબગાંવ પોલીસને શુભાંગી જોગદંડ નામની યુવતી ત્રણ દિવસથી ગુમ હોવાની માહિતી મળી હતી. શુભાંગી ત્રણ દિવસથી ગામમાં દેખાઈ ન હોવાની બતમીને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ઓનર કિલિંગની પોલીસને શંકા ઉપજી હતી. વધૂમાં તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસે શુભાંગીના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જેને લઈને ઓનર કિલિંગનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે શુભાંગીના પરિવારજનોએ જ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તેના શરીરને નિર્દયતાથી સળગાવીને રાખ પણ ગટરમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે યુવતીના પરિવારના ૫ લોકોની ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા પ્રમાણે મેડિકલની વિદ્યાથની શુભાંગી તેના જ ગામના એક છોકરા સાથે પ્રેમ પ્રકરણ હોવાથી તેના પરિવારને પસંદ ન હતું. ૩ મહિના પહેલા પરિવારે શુભાંગીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા, પરંતુ ૮ દિવસ પહેલા લગ્ન અગાઉ જ તેની સગાઉ તૂટી ગઈ હતી. લગ્ન તૂટવા પાછળ પરિવારે શુભાંગીના પ્રેમપ્રકરણને કારણ ગણાવ્યું હતું. ગામમાં બદનામીના કારણે પરિવારે સૌપ્રથમ શુભાંગીની હત્યા કરી અને તેના મૃતદેહને ખેતરમાં સળગાવી તેની રાખ બાજુની ગટરમાં ફેંકી દીધી હતી.આથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસનો દૌર લંબાવ્યો છે.