દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.
સાહિલે ડેરી વિસ્તારમાં 16 વર્ષની છોકરી સાક્ષીની ચાકુ મારીને હત્યા કરી હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નલવાના જણાવ્યા અનુસાર બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. તેના શરીર પર ઘણી ઈજાઓ હતી.
પોલીસની તપાસમાં થોડી જ વારમાં મૃતક યુવતી અને આરોપીની ઓળખ થઈ ગઈ હતી. 16 વર્ષની યુવતી જેજે કોલોનીની રહેવાસી હતી. એ જ સમયે આરોપીની ઓળખ સરફરાઝના પુત્ર સાહિલ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે સાહિલ અને મૃતક યુવતી રિલેશનશિપમાં હતાં. પરંતુ રવિવારે કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. થોડા સમય બાદ યુવતી જ્યારે મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે સાહિલે તેને ગલીમાં રોકીને તેના પર હુમલો કર્યો હતો.
મૃતક યુવતીના પિતાની ફરિયાદ પર શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. હત્યાનો આરોપી સાહિલ ફરાર છે. તેની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસની અનેક ટીમો દરોડા પાડી રહી છે.