બેંગ્લુરુ,કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે મંગળવારના રોજ માંડ્યામાં એક રેલી દરમિયાન લોકો પર ૫૦૦ રૂપિયાની નોટો વરસાવી હતી. તેમણે શ્રીરંગપટનામાં કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રજા ધ્વનિ યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે બેવિનાહલ્લીમાં બસની ઉપરથી કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કર્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
જો રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો શિવકુમાર મુખ્યમંત્રી પદના દાવેદાર છે. આ માટે તેઓ મંડ્યામાં રોડ શો અને પ્રચાર માટે ગયા હતા. આ વખતે કોંગ્રેસ રાજ્યમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહી છે.
૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર ૭૮ સીટો મળી હતી, જ્યારે જેડીએસને ૩૭ સીટો મળી હતી. તે જ સમયે ભાજપે ૧૦૪ બેઠકો જીતી હતી, પરંતુ ૨૨૪ વિધાનસભા સીટ ધરાવતાં કર્ણાટકમાં ૯ સીટ માટે રહી ગયાં હતાં અને ૧૧૩ બહુમત મળી હતી.
ડીકે શિવકુમારે થોડાં દિવસ પહેલા રાજ્યના ડીજીપી પ્રવીણ સૂદને અસમર્થ ગણાવ્યાં હતા. તેમણે દાવો કર્યો હતો કે પ્રવીણ રાજ્યમાં ભાજપ સરકારનો બચાવ કરી રહ્યો છે અને તેમની પાર્ટીના નેતાઓ સામે કેસ નોંધી રહ્યા છે. શિવકુમારે ચેતવણી આપી હતી કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.