- અવન્તિ હનુમાનજી મંદિર ખાતે સર્વ સમાજની મિટિંગ મળી જેમાં દ્વીઅર્થી ગુજરાતી ગીત બંધ કરવા ચર્ચા કરી.
દાહોદ,પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લામાં હાલમાં લગ્નસરાની મોસમ પુરજોશમાં ખીલી છે. કોરોનાકાળ થી બંધ પડેલા લગ્નો અને બંધ પડેલા ડીજે સિસ્ટમમાં અશ્લીલ દ્વિઅર્થી ગુજરાતી ગીતો બેફામ વાગી રહ્યા હોય દરેક સમાજમાં આવા ગીતોની ખરાબ અસર યુવા પેઢીને નડતરરૂપ હોય તે માટે આવા ગુજરાતી ગીત સદ્દંતર બંધ કરાવવા માટે એક સર્વ સમાજની સામાન્ય સભાનું આયોજન દેવગઢ બારીયા સ્થિત અવન્તિ હનુમાનજી મંદિર ખાતે તા.17/4/2023 નારોજ સવારે 11 કલાકે કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લામાં કોઇપણ શુભ પ્રસંગમાં હવે ડીજે સાઉન્ડ લગભગ ફરજીયાત થઈ ગયું છે. ધાર્મિક અને માર્મિક ગીતો ભાગ્યેજ કોઈ ડીજે ઉપર સાંભળવા મળતા હશે. જયારે વધારે પડતા બિભત્સ ગુજરાતી ગીતો વાગતા હોય છે અને એકજ ઘરના એકજ પરિવારના યુવક-યુવતીઓ આવા દ્રિઅર્થી ગીતોના તાલે નાચતા હોય છે. જે ગીતોના શબ્દોના અર્થ ખરાબ હોય છે. જેની અસર ભાવિ યુવા પેઢી ઉપર દરેક સમાજમાં પડતી હોય છે. જે માટે દરેક સમાજના મિત્રો, સંતો, વડીલો, અધિકારીઓ, સામાજિક કાર્યકરો તેમજ કર્મચારીઓ આ દૂષણને ડામવા માટે સરકારી તંત્રના માધ્યમથી તેના ઉપર અંકુશ લાવવા માટે સૌ બધા ભેગા મળી ગુજરાતી બિભત્સ ગીતો અંગે ચર્ચા કરી આ અંગે આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવગઢ બારીયા, લીમખેડા, ધાનપુર, સીંગવડ સહીત અન્ય તાલુકાના દરેક સમાજના અગ્રણીઓ આ મિટિંગમાં હાજર રહી પ્રાંત અધિકારી દેવગઢ બારીયા તેમજ પીએસઆઇ દેવગઢબારીયાને આવા બિભત્સ ગીતો બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું હતું.