દિવેલાના પાકમાં રોગ – જીવાત વ્યવસ્થાપન માટે ખેડૂતોને માહિતગાર કરવા માટે જીલ્લા ખેતીવાડી અધિકારી, દાહોદ દ્વારા વાવણી સમયે લેવાના પગલાં વિશે માહિતી આપવામાં આવી છે.
છાણિયા અથવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરવો, દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવી, દિવેલાના પાકમાં ઘોડિયા ઇયળ અને ડોડવા કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રાખવાં કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા, સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો જીસીએચ-7, જીસીએચ-8, જીસીએચ-9 અને જીસીએચ- 10ની વાવણી માટે પસંદગી કરવી, મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો જીસીએચ-2 અથવા જીસીએચ-6ની વાવણી કરવી, દિવેલાને ઘોડિયા ઇયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવા માટે દિવેલાનું વાવેતર 15 ઓગસ્ટની આસપાસ કરવું, બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ 3 ગ્રામ પ્રતિ કિલો પટ આપી વાવણી કરવી, દિવેલાના મૂળખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે 5 કિલો ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર 500 કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિશ્ર કરી વાવતા પહેલાં ચાસમાં આપવું. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી નજીકના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જીલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી દાહોદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.