ખેડા,અગીયારસથી દિપાવલી પર્વની ઉજવણી કરવામાં જિલ્લા વાસીઓ વ્યસ્ત બનશે. ત્યારે ખેડા જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ખાસ 108 એમ્બ્યુલન્સ સેવા સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. 45 ENT અને 45 પાઈલોટ સહિત 100 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લા વાસીઓની સેવામાં 24 કલાક હાજર રહેનાર છે.
સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારમાં ખેડા જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં વધુ કોલ મળતા હોય છે. કારણ કે, સળંગ રજાઓ અને તહેવારના કારણે વાહનોની અવરજવર વધુ હોય છે. જેના કારણે અકસ્માતના બનાવો બપતા હોય છે. આ ઉપરાંત ફટાકડાના ધુમાડાના કારણે શ્ર્વાસના દર્દીઓમા વધારો જોવા મળે છે. આ સાથે સાથે સ્વિટ અને બહારના ફૂડના કારણે ગેસ, એસિડિટી, તાવ જેવા કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
ખેડા જિલ્લા 108 એમ્બ્યુલન્સ સેવા જિલ્લા વાસીઓની સેવામાં વધુ એક વખત લાગી છે. તહેવારોની તમામ રજાઓ કેન્સલ કરી અંદાજીત 100 વ્યક્તિઓનો સ્ટાફ આ સેવામાં ખડેપગે હાજર રહેશે. જેમાં 45 ENT અને 45 પાઈલોટનો પણ સમાવેશ થાય છે. સામાન્ય દિવસો કરતા દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસોમાં રોડ રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોય ઈમરજન્સી બનાવોમાં 20થી 22 ટકા વધતાં હોય છે.
ખાસ જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, ફોર વ્હીલ કે ટુ વ્હીલર્સની સ્પીડ ક્ધટ્રોલમા રાખીને ધ્યાનથી હંકારવું. બની શકે તો વધુ ધુમાડા વાળા અને મોટાં ધડાકા વાળા ફટાકડા ફોડવાની ટાળો, જેના કારણે ધુમાડા અને અવાજના પ્રદુષણથી બચી શકાય, નાના બાળકો સાથે રહીને ફટાકડા ફોડવા જેથી કાળજી લઈ શકાય. નાના બાળકો અને શ્ર્વાસની તકલીફવાળા વડીલોને ફટાકડાથી દુર રાખવા. જરૂર જણાય તો વિના સંકોચે 108ને ફોન કરવા અપીલ કરાઈ છે. જેથી કોઈનો સમયસર જીવ બચી શકે.