દિવાળી તહેવાર પૂર્વે વડોદરાના રત્નમ ગ્રુપ સહિત ચાર જેટલા બિલ્ડર ગ્રુપને ત્યાં વહેલી સવારે આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ 20થી વધુ જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરતા બિલ્ડર ગ્રુપોમાં ફફડાટ મચી ગયો છે. આ દરમિયાન કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. હવે આઈટીની રડારમાં જ્વેલર્સ પણ આવે તેની શક્યતા છે.
બિલ્ડર ગ્રુપોના નિવાસસ્થાન અને ઓફિસોમાં દરોડા મળેલી માહિતી પ્રમાણે વડોદરાના જાણીતા રત્નમ ગ્રુપ સહિત ચાર બિલ્ડર ગ્રુપ ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ દરોડાની કામગીરી હાથ ધરી હતી. શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત રાજકોટના કેટલાક સ્થળોએ પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
35 વર્ષથી બનાવે છે રેસિડેન્સિયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ્સ વડોદરાનું રત્નમ બિલ્ડર્સ 1989થી વિવિધ રેસિડેન્સિયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટ્સ કરી રહ્યું છે. 35 વર્ષમાં રત્નમ લાઇફ સ્ટાઇલ, રત્નમ પાર્ક વ્યૂ અને રત્નમ ગ્રીન ફિલ્ડ સહિત લગભગ 44થી વધુ પ્રોજેક્ટ્સ પાર પાડ્યા છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા શહેરના હાઈવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
દરોડાની કામગીરી મોડીરાત સુધી ચાલશે જાણવા મળ્યા મુજબ, દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી તેમજ બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા જમીનોની ખરીદ-વેચાણ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી રહી છે. સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધર્યાના અહેવાલો મળી રહ્યા છે. આ દરોડાની કામગીરી મોડીરાત સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સોનક શાહ સાથે સંકળાયેલા બે મોટાં બિલ્ડર જૂથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જૂથોને ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે.
બિલ્ડર લોબીમાં સન્નાટો દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કિટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.