અમરેલી: દિવાળી પર્વની નજીક આવી રહ્યું છે. તેમજ દિવાળી સાથે અનેક પરંપરા જોડાયેલી છે. તેમજ જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલામાં દિવાળીનાં દિવસે ઇંગોરિયા યુદ્ધ થાય છે. દિવાળી પહેલા ઇંગોરિયામાં દારુ ભરવામાં આવે છે અને બાદ દિવાળીનાં દિવસે સામસામે ઘા કરવામાં આવે છે. જોકો ઇંગોરિયા ઓછા મળતા લોકો કાગળની કોકડીનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ પરંપરા આજે પણ જાળવી રાખી છે. સાવરકુંડલામાં છેલ્લા છ દાસકાથી ઇંગોરિયા યુદ્ધ ખેલાય છે.
સાવરકુંડલા શહેરમાં મધ્યમાંથી એક નાવલી નદી પસાર થાય છે અને નાવલી નદીના બંને કાંઠે એક તરફ સાવર અને બીજા તરફ કુંડલા છે. બંને વચ્ચે દિવાળીના દિવસે ઈંગોરિયાનું યુદ્ધ જામે છે. બે જૂથ આમને સામને રહીને સળગતા ઇંગોરિયા ફટાકડાના છૂટા હાથે ઘા કરે છે. આ યુદ્ધ જોવા બહારગામથી લોકો પણ સાવરકુંડલા શહેરમાં આવે છે.
ઇંગોરિયાનું વૃક્ષ પર એક લંબગોળ ફળ થાય છે, જેને ઇંગોરિયા કહેવામાં આવે છે. દિવાળી પહેલા એક માસ પહેલા આ ઈગોરીયાને શોધી અને સાવરકુંડલા શહેરમાં રહેતા યુવાઓ પોતાના નિવાસસ્થાને લાવી સુકવણી કરે છે અને ત્યારબાદ ઇંગોરિયામાં છિદ્ર પાડી દારૂગોળો ભરવામાં આવે છે, જેમાં ગંધક અને કોલસાના ભૂકોનો ઉપયોગ કરવામાં આવે છે.
બાદમાં ઇંગોરિયાના કાણાને પેક કરી દેવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો હજારો ઈંગોરીયા થેલામાં ભરી અને ઈંગોરીયાનું યુદ્ધ રમવા માટે તૈયાર થાય છે અને ઇંગોરિયાનું યુદ્ધ સાવરકુંડલા શહેરમાં યોજાય છે.
સાવરકુંડલા શહેરની આજુબાજુ ઇંગોરિયા હવે ન મળવાને કારણે ઇંગોરિયાના સ્થાને કાગળની કોકડીનો ઉપયોગ કરવામાં આવે છે. કોકડીમાં ગંધક અને કોલસો ભરી અને કોકડી તૈયાર કરવામાં આવે છે અને ઇંગોરિયાનું સ્થાન આજે આ કોકડીએ લીધું છે.