અમદાવાદ, ગુજરાતમાં આવેલી રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકોના ગ્રાહકોને દિવાળીના તહેવારોમાં રૂ.૧૦, ૨૦ની કડકડતી નોટોના બંડલો ન મળતા ગ્રાહકોમાં નિરાશાઓ વ્યાપી હોવાનું જાણવા મળ્યું છે. તદ્દઉપરાંત આરબીઆઇએ જિલ્લાની સંબંધિત બેંકોં ને મોકલેલી કડકડતી (ફ્રેશ) ચલણી નોટોનો વહીવટ બેંકના જવાબદારોએ પોતાના સ્ટાફ સહિત કેટલાક મળતીયાઓને કરી નાખતા ગ્રાહકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
આ અંગે કેટલીક બેંકના ગ્રાહકોએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દર વર્ષે દિવાળીના તહેવારોમાં ગ્રાહકો માટે રૂ.૧૦, ૨૦, ૫૦ની કડકડતી નોટોના બંડલો રાજ્યની દરેક રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી અને કો ઓપરેટિવ બેન્કને મોકલી રહેલ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉપરોક્ત બેંકોના રોજીંદા ગ્રાહકોને, વેપારીઓ, સંસ્થાઓને, કંપનીઓ સહિત અન્ય પેઢીઓને આ નોટોના બંડલો આપવામાં આવતા નથી. આ વર્ષે પણ દિવાળીના તહેવારો ચાલુ થઈ ગઇ હોવા છતાં પણ બેંકોમાંથી કડકડતી નોટોનું બંડલ નહીં મળતા ગ્રાહકોમાં નિરાશા વ્યાપી હોવાનું જોવા મળી રહ્યું છે.
હાલમાં શહેર, તાલુકા મથકો અને ગામડાંઓમાં આવેલી બેંકોમાં કડકડતી ચલણી નોટો લેવા માટે ગ્રાહકો ધરમધક્કાઓ ખવડાવી રહી છે. વધુમાં સ્થાનિકોમાં થતા ગણગણાટ મુજબ તાજેતરમાં રૂ.૧૦ અને ૨૦ ફ્રેશ બંડલો જે તે બેક્ધોને આપવામાં આવ્યા હતા પણ તે બેંકોમાં બંધ બારણે વહીવટ થઈ ગયો છે એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
આ અંગે સંબંધિત બેંકોના જવાબદારોના કહેવા મુજબ ઉપરથી ફ્રેશ બંડલો આપવામાં આવતા નથી. હાલમાં માત્ર રૂ.૧૦૦ના જ ફ્રેશ બંડલો આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.