દિવાળીમાં ગીરના ‘સિંહ’ જોવા થશે ભારે ધસારો, ગેરકાયદેસર ‘દર્શન રોકવા’ વનવિભાગની ઝુંબેશ

જૂનાગઢ, સૌરાષ્ટ્રમાં સાસણ ગીરના એશિયાટિક સિંહો વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ છે. આગામી સમયમાં દિવાળીની રજાનો માહોલ રહેશે. આ રજાઓમાં સિંહ પ્રેમીઓનો ગીરમાં ભારે ધસારો જોવા મળી શકે. તો કેટલાક લોકો સિંહ જોવા ના મળતા કેટલાક લોકો સાથે સાંઠગાંઠ કરી સિંહ પ્રદર્શન જોવાનો આગ્રહ રાખે છે. પરંતુ વનમાં વિચરતા એવા રાજા માટે આ બાબત કેટલીક વખત સમસ્યારૂપ બની શકે છે. આથી તકેદારીના ભાગરૂપે વનવિભાગ પોલીસે ગીરમાં ગેરકાયદેસર સિંહ પ્રદર્શન રોકવા માટે ઝુંબેશ શરૂ કરી છે. સાસણ ગીર ટૂરિઝમના આંકડા મુજબ લગભગ ૫ લાખ પ્રવાસીઓ લાયન સફારી માટે ગીરમાં આવે છે અને દેવળીયા પાર્કની મુલાકાત લે છે.

એશિયાટિક સિંહોનું મનપસંદ રહેઠાણ ગીર વિસ્તાર કહેવાય છે. અત્યારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે દિવાળીની રજાઓમાં એશિયાટીક સિંહોના રહેઠાણમાં રાજ્ય અને બહારના પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ગીરના સિંહોનું દેશભરમાં અનેરું આકર્ષણ છે. ગીરના સિંહો વધુ પડતા આ સિઝનમાં જ બહાર જોવા મળે છે. જેને જોવા ગુજરાત ઉપરાંત અન્ય વિસ્તારનો લોકો આ સમયમાં ઉમટી પડે છે. આથી જ પ્રવાસીઓની હાજરીથી સિંહોની સુરક્ષા જળવાઈ રહે માટેવન વિભાગ પોલીસ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દિવાળીની રજાઓ દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર લાયન શોને રોકવા માટે વન વિભાગે સ્થાનિક પોલીસ સાથે મળીને ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત સાસણ ગીર ખાતે સ્થાનિક પોલીસ અને વાઈલ્ડલાઈફ ક્રાઈમ સેલની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વન્યજીવ ગુનાઓ અટકાવવા અને વિવિધ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાને લઈને વ્યૂહરચના હાથ ધરાઈ. આ બેઠકમાં ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા, જૂનાગઢના એસપી હર્ષદ મહેતા અને નાયબ વન સંરક્ષક ગીર (પશ્ર્ચિમ) પ્રશાંત તોમરે હાજરી આપી હતી.

વનવિભાગ પોલીસ દ્વારા સાસણ ગીરમાં સિંહોની સુરક્ષાને પગલે જંગલ વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં આક્રમક પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે પોલીસ અને વન અધિકારીઓએ હોટલના કર્મચારીઓ અને અન્ય રાજ્યોમાંથી મજૂરી કામ માટે આવતા લોકોની નોંધણી પણ શરૂ કરી હતી. કેમકે પોલીસને માહિતી મળ્યા મુજબ અન્ય રાજ્યોના ગુનેગારો ગીરમાં મજૂર તરીકે રહેવાનું શરૂ કરે છે. જેના બાદ તેઓ વન્યજીવ ગુનામાં પણ સામેલ થતા હોવાનું સામે આવ્યું છે. આથી જ પોલીસે બહારના તમામ મજૂરોની નોંધણી કરવાનો નિર્ણય કર્યો. પોલીસનું માનવું છે કે આ મજૂરો પોતાનો વાસ્તવિક ઓળખ છુપાવી પ્રાણીઓના અંગોમાંથી બનાવેલ વસ્તુઓનું વેચાણ કરે છે. આથી જ નવા માણસો ઉપરાંત શિકાર માટે વપરાતા હથિયારોના ગેરકાયદે વેચાણ પર પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.